બોગસ બિલના આધારે ખોટી રીતે રૂ.38 કરોડ જેટલી માતબર રકમની વેરાશાખ ભોગવવામાં આવી હોવાનું ખુલ્યું : કૌભાંડના માસ્ટર માઈન્ડ તાહિર મેહમુદભાઈ રજાઈવાલાની ધરપકડ
સ્ટેટ જીએસટીની ટીમે અમદાવાદમાં રજાઈ ખેંચતા જ રૂ. 1228 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી લીધું છે. આ બોગસ બિલના આધારે ખોટી રીતે રૂ.38 કરોડ જેટલી માતબર રકમની વેરાશાખ ભોગવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ જીએસટીએ મેન પાવર સર્વિસ પુરી પાડતા એકમોના સ્થળોએ અમદાવાદ ખાતે રેડેક્સ એન્ટરપ્રાઇઝ અને રેડેકસ એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડના ધંધાના સ્થળે તેમજ ડિરેક્ટરોના રહેઠાણો પર રેડ કરવામાં આવી હતી. રેડેક્સ એન્ટરપ્રાઇઝ દેશભરમાં 14 જેટલા રાજ્યોમાં કાર્યરત છે અને 14000 જેટલા મેનપાવરને મોટી કંપનીઓમાં સપ્લાય કરી રહી છે.
આ રેઇડમાં સામે આવ્યું કે આ પેઢીઓ દ્વારા ઇનર્વડ સપ્લાય સંદર્ભે બોગસ પેઢીઓના બિલો થકી વેરાશાખ ભોગવી પ્રમાણસર વેરો ભરવામાં આવતો ન હતો. આ પેઢીઓ દ્વારા બોગસ પેઢીઓ પાસેથી ખોટી રીતે રૂ.38 કરોડ જેટલી માતબર રકમની વેરાશાખ ભોગવેલી છે. જેમાંથી રૂ.19 કરોડની વસુલાત કરવામાં આવી છે. બાકી રકમની વસુલાતની કાર્યવાહી હાલ ચાલી રહી છે.આ પેઢીઓ દ્વારા તાહિર મેહમુદભાઈ રજાઈવાલા કે જેઓ એરોનોટિકલ એન્જિનિયરની ડીગ્રી ધરાવે છે. તેઓ પાસેથી આવી બોગસ પેઢીઓના બિલો મેળવવામાં આવેલા. જેથી તાહિર મેહમુદભાઈ રજઈવાલાના સ્થળો શોધી તપાસ કરાવવામાં આવેલ હતા. તપાસની કામગીરીમાં મોટા પ્રમાણમાં વાંધાજનક હિસાબી સાહિત્ય, લેટરહેડસ તથા ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટો વગેરે મળી આવ્યા હતા. જે શંકાસ્પદ જણાતા જપ્ત કરવામાં આવ્યા છે.
તપાસમાં માલુમ પડ્યું છે કે તાહિર મહેમુદભાઈ રજઇવાલા દ્વારા પોતાના નામે તથા પોતાના કુટુંબીજનો અને અન્ય વ્યક્તિઓને નામે પેઢીઓ ઊભી કરવામાં આવી અને આ રીતે આરોપી દ્વારા કુલ 96 જેટલી બોગસ પેઢી ઓપરેટ કરી રૂ.1228 કરોડના વેચાણો દર્શાવી કુલ રૂ.221 કરોડની વેરાશાખ અન્ય વેપારીઓને પાસઓન કરી માતબર રકમનુ સરકારી તિજોરીને નુકશાન પહોંચાડ્યું છે. આ ઓપરેટેડ પેઢીઓના નામે ખરેખર સેવા આપ્યા વિના પેપર ઉપર મેન પાવર સપ્લાયના વ્યવહારો દર્શાવી આ કૌભાંડ આચર્યું છે.
આરોપી તાહિરની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેના સંબંધી અનહમ એસોસિએશનના સીએ નજીમ રજાઇવાલાએ પરિવારના સભ્યો, સંબંધીઓ, મિત્રો, કલાઇન્ટ, કર્મચારીઓ અને અન્ય વ્યક્તિના નામે 96 બોગસ પેઢીઓ બનાવી આપી હતી. આ બોગસ પેઢીઓના નામે જીએસટી નંબર આપાવી બોગસ બિલો બનાવ્યા હતા.