- પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અશોક ડાંગરને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવતા પરષોતમ રૂપાલા
- પૂર્વ ડે.મેયર ભરત મકવાણા ઉપરાંત દિનેશ મોલિયા પણ ભાજપમાં જોડાયા
લોકસભાની ચુંંટણીના મતદાનના ચાર દિવસ પૂર્વ જ કોંગ્રેસને રાજકોટમાં મોટો ફટકો પડયો છે. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અશોકભાઇ ડાંગરે આજે સવારે કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. તેઓને કેબિનેટ મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો.અશોકભાઈ ડાંગર ઉપરાંત પૂર્વ મેયર ભરતભાઈ મકવાણા અને દિનેશભાઈ મોલિયા પણ ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસના કદાવર નેતા પૂર્વ મેયર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રમુખ અને હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી રહેલા અશોક ડાંગરે આજે ફરી કોંગ્રેસના હાથનો સાથ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. રાજકોટ લોકસભાના ભાજપના મઘ્યસ્થ ચુંટણી કાર્યાલય ખાતે તેઓને કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઇ રૂપાલાએ કેસરિયો ખેસ પહેરાવી અશોકભાઇને ભાજપમાં આવકાર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અશોકભાઇ ડાંગર આજે બીજી વખત ભાજપમાં જોડાયા હતા. તેઓ 10 વર્ષ પૂર્વ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2015માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપે તેઓને વોર્ડ નં. 17માંથી ટિકીટ આપી હતી. જેમા તેઓનો પરાજય થયો હતો.
દરમિયાન થોડા વર્ષો પહેલા તેઓ ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી. તેઓને કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. આ ઉપરાંત 2021માં કોર્પોરેશનની ચુંટણીમાં ટિકીટ પણ આપવામાં આવી હતી. 2022 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પણ રાજકોટ પૂર્વ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓનું નામ ચર્ચામાં હતું. હાલ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા.
આજે રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલની ચુંટણી સભા ઢેબર ચોકમાં ચાલી રહી હતી ત્યારે
ભાજપે ચુપચાપ ઓપરેશન પાર પાડી દીધું હતું. અશોક ડાંગરનો ભાજપમાં પ્રવેશ કરાવી મતદાનના ચાર દિવસ પૂર્વ જ કોંગ્રેસને જોરદાર ફટકો આપ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેના રાજકોટ પ્રવાસ દરમિયાન જ કોંગ્રેસમાં ગાબડુ પાડવાનું ભાજપે નકકી કરી દીધું હતું. જો કે મલ્લીકાર્જુન ખડગેનો આજનો રાજકોટ પ્રવાસ રદ થયો હતો. છતાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ અશોક ડાંગરને કેસરિયો ખેસ પહેરાવી કોંગ્રેસને ઝટકો આપ્યો હતો.
હાલ રાજકોટ લોકસભા બેઠક પર કાંટે કી ટકકર ચાલી રહી છે. ત્યારે અશોક ડાંગરના કેસરિયાથી કોંગ્રેસના હોદેદારો આગેવાનો અને કાર્યકરો સ્તબ્ધ થઇ ગયા હતા. આગામી એકદા- બે દિવસમાં હજી કોંગ્રેસની બે થી ત્રણ વિકેટો ખડે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.