‘અબતક’ના અહેવાલ બાદ કુલપતિ ડો.નીતિન પેથાણીએ લીધો નિર્ણય
યુનિવર્સિટીના અધ્યાપકો સાઇન કરી હાજરી પુરતા હતા, હવે ગુટલીબાજ અધ્યાપકો થઈ જજો સાવધાન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલાક ગુટલીબાજ અધ્યાપકો સમયસર ના આવતા હોવાથી ’અબતક’ના અહેવાલ બાદ યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનકુમાર પેથાણીએ નવા સત્રથી ૩૨ ભવનમાં બાયોમેટ્રિક મશીન નાંખવાનો નિર્ણય લીધો છે. શાળાના શિક્ષકો બાયોમેટ્રિકથી હાજરી પુરે છે જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આધ્યાપકો જુના જમાનાની રીતે સાઈન કરી હાજરી પુરે છે પરંતુ હવે ગુટલીબાજ અધ્યાપકોએ સાવધાન થઈ જવાની જરૂર છે આગામી નવા સત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનોમાં બાયોમેટ્રિક મશીન મુકાઈ જશે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાએ ભવનોમાં અધ્યાપકોની હાજરી માટે બાયોમેટ્રીક મશીન નાખવાની જાહેરાત કરી ત્યારબાદ ડો.નીલાંબરી દવે આવ્યા પણ બાયોમેટ્રીક ન નંખાયા. ત્યારે હવે ભવનમાં બાયોમેટ્રીક મશીન નાખવા માટેના મંજૂરી પત્ર પર કુલપતિ ડો.પેથાણીએ સહી કરી નાખી છે. નવા સત્રથી ૩૨ ભવનમાં બાયોમેટ્રીક મશીન નાખવાની કુલપતિની તૈયારી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનકુમાર પેથાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અ+ ગ્રેડ મેળવવા નેકના મુલ્યાંકનમાં જઇ રહી છે ત્યારે ડિજિટલ હાજરીને બદલે મસ્ટરમાં સાઈન કરવાની હાજરીની પદ્ધતિ નુકસાન રૂપ સાબિત થઈ શકે તેમ છે. ઉપરાંત જે અધ્યાપકો સમયસર નથી આવતા તો આ બાયોમેટ્રિક મશીન મૂકવાથી આવી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. નવા સત્રથી ૩૨ ભવનમાં બાયોમેટ્રીકમશીન નાખી દેવામાં આવશે. જેની ત્યારી હાલ ચાલી જ રહી છે.