પ્રભાસક્ષેત્ર ખાતેથી કૃષ્ણ ભગવાને વૈકુઠગમન કર્યું તે ગોલોકધામ દિનની વિશેષ ઉજવણી: શનિવારે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
સાંજે ૭-૩૦ કલાકે “પ્રભાસોત્સવ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી,ગાંધીનગર- સંસ્કાર ભારતી,ગુજરાત પ્રાંત અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઉજવાશે, કલાસાધકો સંગીત-નૃત્ય-ગાયન ના ત્રિવેણી સંગમ સાથે સુરઆરાધના કરશે, જેમાં લલીતાબેન ઘોડાદ્રા-, નીરજભાઇ પરિખ- અમીબેન પરિખ- વિપુલ અભય દુબે-ધ્વનીબેન વછરાજાની, કાશ્મીરાબેન ત્રિવેદી – સ્મૃતિબેન વાઘેલા, પલ્લવીબેન વ્યાસ- પ્રતિભા લશ્કરી આચાર્ય, સૌવિક ભટ્ટાચાર્ય તથા સાથીવૃંદ દ્વારા શિવ સ્તુતી નૃત્ય, દિગ્વિજયસિંહ ચૌહાણ-વૈભવ પાઠક, બાંટવાના રાજપુત રાસમંડળ ની પ્રસ્તુતી, પ્રિતિબેન ચૌહાણ-માયાબેન ચૌહાણ-લોકસંગીત, ઓમ શિવ સંસ્થા ભાગવનગર દ્વારા લોકનૃત્ય, મિલન બુચ-ડો.નિશાબેન ગોહિલ-સૌનક ભટ્ટ-ચીરાગ સોની, સુગમ તથા ભક્તિ સંગીત, કિન્નર જાની સહિત કલાકારો પોતાની પ્રસ્તુતી રજુ કરશે.
શનિવારે પ્રતિપદાના સુર્યોદય સમયે સુર્યના પ્રથમ કિરણો શ્રી સોમનાથ તીર્થધામ માં પડતાની સાથે જ કાર્યક્રમ સ્થળે સુર્યદેવના સુરોથી વધામણા કરવામાં આવશે.
ગોલોકધામ ખાતે તા.૦૬ના વિશેષ પૂજામાં વિગ્રહ પૂજન, વિષ્ણુયાગ, પાદુકાપૂજન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રાત: કાલે ભગવાન શ્રી કૃષ્ણને પ્રીય ગોલોકધામ તીર્થમાં ધ્વજા રોહણથી ઉત્સવની શરૂઆત કરવામાં આવશે. શ્રી વિષ્ણુયાગ યજ્ઞ શ્રી વેજાણંદભાઇ વાળા પરિવાર ના યજમાન પદે યોજાશે. બપોરે દાઉજીએ જ્યાંથી પાતાળ લોક પ્રવેશ કરેલ તે ગુફા ખાતે પૂજન, સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીજી એ પ્રભાસમાં ચાતુર્માસ દરમ્યાન કરેલ શાસ્ત્રોક્ત અભ્યાસ સાથે કરેલ કાલગણના મુજબ ૧૮ ફેબ્રુઆરી ઇ.સ. ૩૧૦૨ વર્ષ પહેલા, ચૈત્ર શુક્લ પ્રતિપદા, શુક્રવારે હિરણના આ પાવન સ્થળેથી પોતાના સ્થુળ શરિરને આ ભૂમિમાં સમાવિષ્ટ કરી વિધુત સ્વરૂપે નિજધામ પ્રસ્થાન મધ્યાન્હે ૨ કલાક ૨૭ મીનીટ અને ૩૦ સેક્ધડ સમયે કરેલ. આ સમયે પાદુકા અભિષેક, પૂજન -શંખનાદ-બાંસુરીવાદન પુષ્પાંજલી યોજાશે.
સોમનાથ યુનિ. ના છાત્ર-છાત્રાઓ દ્વારા ગીતા મંદિરે સમુહ ગીતાપાઠ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી,ગાંધીનગર- સંસ્કાર ભારતી,ગુજરાત પ્રાંત અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાસ-ગરબા, કૃષ્ણ સંકિર્તન યોજાશે. તેમજ સાંજે કૃષ્ણ ચરણપાદુકાજીની સહસ્ત્ર દિપો દ્વારા સમુહ આરતી યોજાશે. જેમનો લ્હાવો લઇ હરિ-હરની કૃપા પ્રાપ્ત કરવા સર્વે ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.