રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ પડવાથી શિક્ષણમાં નવા નવા ફેરફારો થઈ રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ બાબતે પણ કાર્ય શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. શિક્ષણની સાથે સાથે છાત્રોના જીવન કૌશલ્યો નો વિકાસ પણ ખૂબ જરૂરી છે, ભણતરની સાથે ગણતર હોવું જરૂરી છે, માત્ર પુસ્તકિયા જ્ઞાન આધારિત શિક્ષણ કે તેનું મૂલ્યાંકન કોઈ છાત્રનું ચોક્કસ માપન હોય ન શકે. સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને વિવિધ કલા શિક્ષણ પણ શિક્ષણના એક ભાગ સાથે અભ્યાસક્રમમાં હોવું જરૂરી છે. શિક્ષણની સાથે સાથે તરુણ યુવાનો કે કોલેજ છાત્રોમાં તણાવ અનુકૂલન કૌશલ્ય રીક્ષાવવાની ખૂબ જ જરૂરીયાત છે આ કૌશલ્યના વિકાસથી તે ગમે તેવી મુશ્કેલીમાં અડગ ઉભો રહી શકે છે. દરેક વિદ્યાર્થીઓને ક્ષમતા અલગ અલગ હોવાથી બાળક વહેલું મોડું શીખતું હોય છે, એ જ રીતે જીવન કૌશલ્યો નો વિકાસ પણ વહેલા મોડો થઈ શકે છે.
આજની શિક્ષણ પદ્ધતિમાં નિયત સિલેબસ આધારિત હોવાથી અન્ય જરૂરી કૌશલ્યો વિકાસ થતો નથી: છત્રોમાં સ્વવિકાસનું કૌશલ્ય વિકસાવવું અતિ જરૂરી
આજના છાત્રોમાં સર્જનાત્મક ચિંતન અને તણાવ અનુકૂલન ની ખામી જોવા મળી રહી છે, જે તેનો વિકાસ અટકાવે છે: જીવન કૌશલ્ય વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તનના સંદર્ભે એકબીજા સાથે જોડાયેલા છે
યુવા વર્ગનું જીવન ઉન્નત બનાવવા માટે આ કૌશલ્ય એક યા બીજી રીતે હસ્તગત કરવા જ પડે છે: જીવન કૌશલ્ય શિક્ષણ અનુભવ લક્ષી હોવું જોઈએ
જીવન કૌશલ્ય શિક્ષણ એટલે જીવનમાં આગળ વધવા માટે સફળ, સુખમય, શાંતિમય અને સ્વસ્થ જીવન ઘડતર માટે તથા સતત વિકાસશીલ રહેવા માટે જરૂ રી એવુ કૌશલ્ય, જીવન શૈલી સધારતું શિક્ષણ. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ યુવા વર્ગ માટે મુળભુત જીવન કૌશલ્યોની વ્યાખ્યા અને સંદર્ભ આપેલા છે. 1. સ્વજાગૃતિ 2. સમાનભુતિ-પરાનુભુતિ 3. સમસ્યા ઉકેલ 4.નિર્ણય શકિત 5.અસરકારક પ્રત્યાપન 6.આંતર માનવિય વ્યવહાર 7.સર્જનાત્મક ચિંતન 8.વિવેચનાત્મક ચિંતન 9.સંવેગાનું ફુલન 10.તણાવ અનુકુલન.
આ મુળ કૌશલ્યો, વ્યકિતના વિચારો, લાગણીઓ અને વર્તનનાં સંદર્ભે એકબીજા સાથે જોડાયેલા છે. આ કૌશલ્યો એક યા બીજી રીતે હસ્તગત થતા જ વ્યકિતત્વનો અને સામર્થ્યનો વિકાસ થાય છે. પરિણામે યુવા વર્ગનું જીવન ઉન્નત બને છે. આપણા મજબુત ભવિષ્યનો આધાર આપણી સક્ષમ યુવા પેઢી ઉપર છે. જીવન કૌશલ્યોનો અભિગમ યુવા વર્ગને તેમના જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા સક્ષમ કરે છે. જુદા-જુદા સમાજમાં કિશોર-કિશોરીઓ, યુવાનો અને યુવા વર્ગ એવો શબ્દ પ્રયોગ જુદી-જુદી વય જુથ માટે, તેમની ભૂમિકા અને જવાબદારીઓ બાબતે વપરાતો હોય છે.
સામાન્ય રીતે નીચેની વ્યાખ્યાનો બહુધા પ્રયોગ થતો હોય છે.
તરૂણાવસ્થા (એડોલેસન્ટ) – 10 થી 19 વર્ષ
તરૂણાવસ્થાનો શરૂ આતનો ગાળો – 10 થી 14 વર્ષ તરૂણાવસ્થાનો પાછળનો ગાળો – 15 થી 19 વર્ષ
યુવાન (યુથ) – 15 થી 24 વર્ષ
યુવા વર્ગ (યંગ પીપલ) – 10 થી 24 વર્ષ
આ વય જુથના સ્વાસ્થ્યસભર જીવનની પસંદગી કરે, પરિપકવ નિર્ણયો લે, મદદરૂપ બની શકે તેવા સંબંધો બાંધ, તંદુરસ્ત જીવન શૈલી અમલમાં મુકે, જોખમી જીવન પ્રણાલી અને તંદુરસ્તીને હાનિકારક વર્તણુકને ઓળખે એ જરૂ રી છે. યુવા વર્ગમાં સૌથી અગત્યની બાબતોમાં સ્વજાગૃતિની છે જેમાં તે પોતાની જાત, ચરિત્ર, શકિતઓ, મર્યાદાઓ કે નબળાઈ, ઈચ્છા-અભિલાષા કે અણગમતી બાબતો વિશેની સ્પષ્ટ જાણકારી મેળવીને પોતે સ્વની ઓળખ કરીને સ્વજાગૃત થાય તે જરૂરી છે.
આવી જ રીતે નિર્ણય શકિત જીવન કૌશલ્યો પણ સારી રીતે હસ્તગત કરવાથી કોઈ ઘટના પરિસ્થિતિ બાબત માટે શકય તેટલા પ્રાપ્ત વિકલ્પો અને તે માટે વિવિધ લેવાનારા નિર્ણયો અને આવનારી અસરો વિશે જાણે. સમસ્યા ઉકેલમાં યુવા વર્ગના જીવનમાં આવતા વિવિધ પડકારો, મુશ્કેલીમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પથી સમસ્યા ઉકેલે તેવો પરિપકવ હોવો જરૂ રી છે. આમા ગમે તેટલા અવરોધો આવે છતા તેમાંથી હકારાત્મક ઉકેલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ચોકકસ કાર્ય પઘ્ધતિને અનુસરે છે.
આટલુ ધ્યાનમાં રાખો
પહેલુ સુખ તે જાતે નર્યા. સ્વસ્થ શરીર અને વ્યકિતના જીવનની સૌથી પ્રથમ જરૂ રીયાત છે.
જીવન કૌશલ્ય શિક્ષણ અનુભવલક્ષી હોવું જરૂ રી છે.
વાંચેલા, સાંભળેલા અથવા જોઈને સમજેલા શિક્ષણ કરતા જાતે અનુભવેલા શિક્ષણની અસર માનવીના મગજ પર સૌથી વધારે રહે છે.
જીવન કૌશલ્ય શિક્ષણ પ્રાયોગિક શિક્ષણ વ્યવસ્થા દ્વારા આપવું જરૂ રી બને છે.
જીવન કૌશલ્ય શિક્ષણ એ માત્ર મુલ્યો અથવા સુવિચારોને ઠોકી બેસાડવાનું શિક્ષણ નથી.
જીવન કૌશલ્ય શિક્ષણ એક એવી વ્યવસ્થા છે કે જરૂરી કૌશલ્યોનું વિદ્યાર્થીઓના જીવનમાં વાસ્તવિક રીતે મંથન કરીને તેમની શકિતઓને જાગૃત કરે છે.