- લોકમેળા હવે લોકો માટે નથી ?
- લોકમેળામાં એક જ ખાનગી સંચાલકે રાઈડ્સના તમામ 31 પ્લોટ રૂ.1.27 કરોડમાં ખરીદી લીધા : વર્ષોથી રાઈડ્સ ચલાવતા વેપારીઓ પ્રથમવાર આ વર્ષે મેળામાં નવરા ધૂપ રહેશે : તંત્રનું શોર્ટકટ મેળાના રાઈડ્સ સંચાલકો માટે ઘાતક સાબિત થયું
લોકમેળાએ આપણી સંસ્કૃતિ સાથે વણાયેલા છે. તેમા લોકમેળા સંચાલકોએ નફા નુકસાન નહિ પણ લોકોનો આનંદ કિલ્લોલ તેમજ વેપારીઓની રોજીરોટી ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. પણ હવે નાના માણસોનો મોટો મેળો હવે ’ઇવેન્ટ મેનેજમેન્ટ’ના હાથમાં હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. લોકમેળામાં એક જ ખાનગી સંચાલકે રાઈડ્સના તમામ 31 પ્લોટ રૂ.1.27 કરોડમાં ખરીદી લીધા છે. વર્ષોથી રાઈડ્સ ચલાવતા વેપારીઓને પ્રથમવાર આ વર્ષે મેળામાં નવરા ધૂપ રહેવાનો વારો આવ્યો છે. બીજી તરફ તંત્રએ એક જ ખાનગી સંચાલકને તમામ રાઈડ્સના પ્લોટ સોંપીને જે શોર્ટકટનો રસ્તો લીધો છે. તે લોકમેળાની વ્યાખ્યા સાથે બંધ બેસતો નથી. લોકો માટે યોજાતો આ લોકમેળો દરેક લોકોને આનંદ આપવા માટેનો હોય છે. પણ તંત્રના એક જ ખાનગી સંચાલકને તમામ રાઈડ્સના પ્લોટ સોંપી દેવાના નિર્ણયથી વર્ષો જુના રાઈડ સંચાલકોને મોટો ફટકો પડયો છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો યોજાઈ છે. આ વખતે તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન આ લોકમેળો યોજાનાર છે. જેમાં ત્રણ-ત્રણ વખત રાઈડ્સની હરાજી મુલત્વી રહ્યા બાદ ચોથી વખત કરવામાં આવેલ હરાજીમાં જૂના વેપારીઓએ ભાગ લીધો હતો. પરતું નવા નિયમના કારણે હરાજીની બોલીમાં ભાગ નહી લેતા તેની સાથે આવેલા જ ખાનગી મેળાના સંચાલકોએ તમામ 31 પ્લોટ રૂ. 1.27 કરોડમાં ખરીદી લીધા છે.
ગેમઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા મેળા સહિત એમ્યુઝમેન્ટ પાર્ક માટે બનાવવામાં આવેલી નવી એસઓપીના કારણે રાઈડ્સના ધંધાર્થીઓએ નિયમ હળવા કરવાની માંગણી કરવામાં આવી હતી.સરકારી તંત્રએ રાઈડ્સ સંચાલકોની માગણી ફગાવી દેતા મડાગાંઠ સર્જાઈ હતી. એક તબક્કે મેળો રાઈડ્સ વગરનો થાય તેવી સ્થિતિનું નિમાર્ણ થયું હતું. બાદમાં તંત્રએ વચલા રસ્તા તરીકે શહેરના ચાર ખાનગી સંચાલકો સાથે વાટાઘાટ કરી મેળામાં ભાગ લેવા આંમત્રણ આપ્યું હતું. જે હરાજીમાં જૂના વેપારીઓ આવ્યા હતા. પરતું તેઓએ બોલી નહી લગાવતા અંતે તમામ 31 પ્લોટની તંત્ર દ્વારા 1.16 કરોડની અપસેટ કિંમત નક્કિ કરવામાં આવી હતી. તેમાં ચાર વેપારી વચ્ચે બોલી લાગી હતી અને રાજકોટના એક ખાનગી મેળા સંચાલક વેપારીએ 1.27 કરોડમાં તમામ પ્લોટ ખરીદી લીધા હતા.
ગત વખતે મેળામાં રાઈડ્સના કુલ 44 પ્લોટ હતા. તેમાં હરાજીથી કુલ 1.42 કરોડમાં પ્લોટ વહેચાયા હતા. આ વખતે પ્લોટનો ઘટાડો કરવામાં આવ્યા બાદ પણ માત્ર 31 પ્લોટ 1.27 કરોડમાં વહેચાતા તંત્રને ગત વખત કરતા આ વખતે રેકોર્ડ બ્રેક આવક થઈ હતી.
મેળો રાજકોટના અર્થતંત્રને આપે છે બુસ્ટર ડોઝ
રાજકોટમાં મેળાને લઈને વેપારીઓને મોટી આશા હોય છે. લોકમેળામાં મોતના કૂવા, મોટી ફનરાઇડ્સ, મધ્યમકક્ષાની રાઈડ્સ, ચિલ્ડ્રન રાઈડ્સ, ફૂડ કોર્ટ, ખાણીપીણીના સ્ટોલ, આઈસસ્ક્રીમના સ્ટોલ, રમકડાના સ્ટોલ, સરકારી સંસ્થાઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ મેળો દર વર્ષે રાજકોટના અર્થતંત્રને બુસ્ટર આપે છે. અનેક વેપારીઓ આ મેળામાંથી મોટી કમાણી કરે છે. તો બીજી તરફ સરકારી તંત્રને પણ આ મેળામાંથી આવક થાય છે. મેળામાં વરસાદ થવો એ સામાન્ય વાત ગણાય છે.ગારા-કીચડની ચિંતા કર્યા વગર લોકો મેળામાં મોજ મસ્તીના ધૂબાકા મારે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા
એવા આ લોકમેળાને માણવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં જબરો ઉત્સાહ છવાયેલ હોય લોકમેળાની રંગત લેવા માટે લોકોનો અવિરત પ્રવાહ રેસકોર્ષ ગ્રાઉન્ડ તરફ વહે છે. લોકમેળામાં ચકરડી, ફજેતફાળકા ટોરા ટોરા, મોતનો કુવો, ઝૂલા સહિતની અવનવી રાઈડસની મજા લોકો લ્યે છે. આ ઉપરાંત મેળામાં વિવિધ સ્ટોલો ઉપરથી કટલેરી, ઈમીટેશન જવેલરી, રમકડા, લેધર આઈટમો સહિતની વસ્તુઓની ધૂમ ખરીદી લોકો કરે છે અને મેળામાં આઈસ્ક્રીમ અને ખાણી-પીણીની લીજજત પણ લોકો માણે છે.
જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટની ઓળખ
રાજકોટના મેળાનો ઇતિહાસ જોઇએ તો 1953 સુધી શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા લોકમેળાનું શાસ્ત્રી મેદાનમાં ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવતું હતું. ઉત્સવપ્રિય રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે 1984માં રાજ્ય સરકારના યુવક સેવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી શાસ્ત્રી મેદાન ખાતે જ લોકમેળો યોજવામાં આવ્યો. આ આયોજનનું 1985માં પણ પુનરાવર્તન કરાયું ત્યાર બાદ, 1986થી સરકારી અધિકારીઓની વિવિધ સમિતિ દ્વારા આયોજનબધ્ધ રીતે લોકમેળો યોજાવાની શરૂઆત થઇ. આ લોકમેળો રાજકોટની ભાતીગળ ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતો આ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ 2003થી રેસકોર્સ ખાતે યોજવામાં આવે છે. મેળાના સમયગાળો ત્રણ દિવસથી વધારીને પાચ દિવસનો કરવામાં આવ્યો.
આઈસ્ક્રીમના સ્ટોલ વેપારીઓને બદલે સીધા કંપનીઓને જ સોંપાઈ તેવી શકયતા
આ વખતે રાઈડ્સની જેમ જ આઈસ્ક્રિમના 16 પ્લોટમાં પણ કોકડું ગુચવાયું છે. આઇસક્રિમના અગાઉ 11 પ્લોટ નક્કિ કરવામાં આવતા વેપારીઓએ તેમાં ફોર્મ ભરી દાવેદારી કરી હતી. પરતું તેમાં પાછળથી તંત્રએ પ્લોટમાં વધારો કરતા વેપારીઓ નારાજ થયા હતા અને હરાજીનો બહિષ્કાર કર્યો હતો.તંત્રએ ગઈકાલે પણ આઈસ્ક્રિમના વેપારીઓને બોલાવ્યા હતા. પરતું તેઓ નહીં આવતા હવે આઈસ્ક્રિમના પ્લોટ સીધા જ આઈસ્ક્રિમની કંપનીઓને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આઠ કંપનીઓએ આમાં રસ દાખવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમને પોષાયુ નહિ એટલે હરાજીમાં બોલી ન કરી : રાઈડ સંચાલકો
રાઈડ સંચાલકોએ આ અંગે જણાવ્યું કે તેઓને નિયમો જે બનાવવામાં આવ્યા છે અને એ નિયમોની અમલવારી કરીને જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તે પોષાય એમ ન હતા જેથી દર વર્ષે ભાગ લેતા રાઈડ સંચાલકોએ કોઈ બોલી લગાવી ન હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ રાઈડ્સ સંચાલકો મેળામાં ભાગ લેતા હોય છે. આની સાથે જોડાયેલા મોટી સંખ્યામાં લોકોની રોજીરોટી તેના ઉપર નભતી હોય છે.