- સાંજે મોતની ભયાનક ચિચિયારીઓ અને રાત્રે એમ્બ્યુલન્સના સાયરનોથી મોરબી ગુંજી ઉઠ્યું
- મચ્છુ ઘાટ ઉપર એક પછી એક મૃતદેહો નીકળતા કાળજું કપાવી દેનારો સન્નાટો છવાયો : મૃતદેહો સાચવવા સરકારી હોસ્પિટલનો પન્નો ટૂંકો પડ્યો
પાણી સાથે મોરબીને મોટી ઘાત હોય, ફરી એકવાર હોનરાત જેવી ભયંકર દુર્ઘટનાથી ચકચાર મચી છે. ઝૂલતા પુલ દુર્ઘટનામાં અંદાજે 140થી વધુ લોકોના મોત નિપજ્યા છે. સાંજે મોતની ભયાનક ચિચિયારીઓ અને રાત્રે એમ્બ્યુલન્સના સાયરનોથી સમગ્ર મોરબી ગુંજી ઉઠ્યું હતું.
મોરબીમાં ગઇકાલની સાંજે અચાનક ઝૂલતો પુલ તૂટતા અંદાજે 500 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા. દુર્ઘટના પછી આશરે 177 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 19 લોકોને નાની-મોટી ઈજા હોવાથી વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ રખાયા છે. જેમાંથી ત્રણ વ્યક્તિને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. બીજી તરફ પુલ તૂટ્યા પછી મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી વગેરેએ પણ અડધી રાતે ઘટનાસ્થળે જઈને બચાવ ઓપરેશનને રૂબરૂ નિહાળીને દિશાસૂચન કર્યા હતા.
જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી વિગતો મુજબ, ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા પછી, તંત્ર તુરંત જ સક્રિય થઈ ગયું હતું અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત અન્ય સ્થળોની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચવા લાગી હતી. બીજીતરફ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ આરોગ્ય કેન્દ્રો, રાજકોટ પીડીયુ હોસ્પિટલ તેમજ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના 40 જેટલા ડોક્ટરોએ ખડેપગે રહીને ઈમરજન્સી સારવાર શરૂ કરી હતી.
સ્મશાન અને કબ્રસ્તાન ટૂંકા પડયા
ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુઆંક 140 સુધી પહોંચતા હાલ મોરબીના સ્મશાન અને કબ્રસ્તાન ટૂંકા પડી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.અનેક લોકોના અકાળે અવસાન થતાં આજે સવારથી મોરબીના ચારેય સ્મશાન ટૂંકા પડી રહ્યા હોય તેવી સ્થિતિમાં એક પછી એક મૃતદેહોને અંતિમ વિધિ માટે લાવવામાં આવી રહ્યા છે. એ જ રીતે ગઇકાલની દુર્ઘટનામાં અનેક મુસ્લિમ પરિવારના સ્વજનોના પણ મૃત્યુ નિપજ્યા હોય કબ્રસ્તાનમાં પણ વેઇટિંગ જેવી સ્થિતિ હોવાનું જાણવા મળે છે.
ઝૂલતા પુલ દુર્ઘટનાના શોકમા આજે મોરબી બંધ
આજે મોરબી વેપારી મંડળ દ્વારા મોરબીમાં વેપાર ધંધા બંધ રાખી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.મોરબી વેપારી એસોસિયેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે ઝૂલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામા મૃત્યુ પામેલા મૃતાત્માઓને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે વેપાર ધંધા બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય પાંખ બચાવ કાર્યમાં લાગી
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં બચાવ કાર્યમાં સરકારે તમામ તાકાત લગાડી છે. એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો સાથે મોરબી પહોંચી હતી.એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી.ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી હતી.
મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આખી રાત ફિલ્ડમાં સવારે બેઠકોનો ધમધમાટ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને ધ્યાને લઇ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના કાફલાએ મોરબીમાં જ રાત્રિ રોકાણ કર્યું છે. મુખ્યમંત્રી અને મંત્રીઓ સહિતનો કાફલો આખી રાત ફિલ્ડમાં રહ્યો હતો અને બચાવ કાર્યનું સતત નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીએ સરકારી હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોના ખબર અંતર પણ પૂછ્યા હતા. આખી રાત ફિલ્ડમાં રહ્યા બાદ મુખ્યમંત્રી સવારે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કંટ્રોલ રૂમની જવાબદારી હાથમાં લીધી હતી.