બહારથી આવતા લોકો પર પ્રતિબંધ: ગામ પ્રવેશ માટે ટેસ્ટ ફરજીયાત
એક અઠવાડિયાના સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રારંભ: ગામ સજ્જડ બંધ; ડેરી બે કલાક ખુલે છે
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના દૈત્યએ પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યુ છે. લોકો સાવચેત રહે અને નિયમોનું પાલન કરે તે અત્યંત અને આવશ્યક છે ત્યારે કોરોના સામો જંગ કેવી રીતે સફળતાપૂર્વક લડી શકાય તેનું ઉદાહરણ નાના એવા મોટીબાણુગાર ગામે પુરૂ પાડયું છે, જેને સ્વૈચ્છિક લોકડાઉન, નિયમોના પાલન, રસીકરણ વગેરેની અસરકારક લીધેલા પગલાના કારણે કોરોનાને કોરાણે મુકવા તૈયાર થઇ ગયા છે.
શહેરથી માત્ર 20 કીમીની અંતરે આવેલા મોટીબાણુગાર ગામે પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ છે, આ ગામમાં પાંચ દિવસ પૂર્વે 25 જેટલા લોકોને કોરોના પોઝિટિવ આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પરંતુ ડરી જવાના બદલે ગ્રામજનોએ ભેગા થઇ વેપારીઓ સાથે મળી ગામમાં વધુ કેસ આવે નહી તેમજ કોઇનું મૃત્યુ ન થાય તે માટે એક અઠવાડીયાનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દીધ઼ું હતું જેનું ચુસ્તપણે પાલન થઇ રહ્યું છે.
ગ્રામજનોએ પોતાના ઘરમાં અઠવાડીયાના શાકબકાલા અને કરિયાણું ભરાવી લીધું હતું, જયારે ગામમાં ફકત બે કલાક માટે સવાર-સાંજ દુધની ડેરી ખોલવામાં આવે છે, ગામમાં બહારના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી તેમજ અત્યંત જરૂરી હોય તો ટેસ્ટ કર્યા બાદ જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે. ગામમાં ચોતરફ સન્નાટો છે, જે કોરોના સામેની જંગમાં જીતવા ગ્રામજનોને સક્ષમ બનાવે છે.
લોકડાઉનનો નિર્ણય ગ્રામજનો અને વેપારીઓએ સંયુકત લીધો: સરપંચ
કોરોનાના પ્રથમ તબકકામાં ગામમાં 25 જેટલા કેસો નોંધાયા હતાં, જયારે બે મહિલાઓના દુ:ખદ મોત થયા હતાં, જે ગ્રામજનો માટે આધાતરૂપે હતાં, બીજા કોરોનાના તબકકામાં 25 કેસ આવતા જ ગ્રામજનો ચેતી ગયા છે અને કોઇપણ મોત ન થાય તેમજ કેસ ન વધે તે માટે સંયુકત પણે નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમ સરપંચ કિરણબેન દિપકભાઇ જણાવાયું હતું.
દરરોજ ટેસ્ટિંગ કરાય છે: મેડિકલ ઓફિસર
મોટીબાણુગારમાં અમારી ટીમ દ્વારા તમામ લોકોનો રોજના કોરોનાના ટેસ્ટીગ કરવામાં આવી રહ્યા છે અને જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવે છે તેઓને હોમકોરોનટાઇન કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને કોઇ સમસ્યા ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
સાંજે માઇક દ્વારા ગ્રામજનોને તમામ માહિતી અપાય છે
અમારા ગામમાં કોરોનાના કેસો વધતા સંપૂર્ણ લોકડાઉન કરાયું છે અને રોજ સાંજે અમે માઇક દ્વારા જેતે વ્યકિતને રીપોર્ટ શું છે તે સહિતની માહિતી ગ્રામજનોને પુરી પાડી રહ્યા છીએ અને ગ્રામજનોનો સારો એવો સહકાર મળી રહ્યો છે. તેમ સરપંચ કિરણબેને જણાવ્યું હતું.