465 મીલી ગ્રામ ફાઇન સોનાના ઘરેણા ન બનાવી કારીગર એક માસથી બંગાળ ભાગી ગયો
સસ્તી મજુરીમાં બંગાળી કારીગર પાસે સોનાના ઘરેણા બનાવવાનું વધુ એક વેપારી પેઢીને મોંઘુ પડયું છે. કેનાલ રોડ પર અને હાથીખાનામાં સોનાના ઘરેણાની પેઢી ધરાવતા વેપારીએ 465 મીલી ગ્રામ સોનાના ઘરેણા બનાવવા આપેલા બંગાળી કારીગર ઘરેણા ન બનાવી એકાદ માસથી બંગાળ ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બસ સ્ટેશન પાછળ કરણપરા શેરી નંબર 2માં રહેતા અને કેનાલ રોડ પર શિવગંગા આભુષણ અને હાથીખાના શેરી નંબર 7-15 કોર્નલ પર શિવમ મકાન સોનાના ઘરેણાની પેઢી ધરાવતા અલીપકુમાર નોબાકુમાર દેઇ નામના બંગાળી યુવાને મુળ પશ્ર્ચિમ બંગાળના ગરબેતા જિલ્લાના નબોકોલા ગામના વતની અને કેવડાવાડી 20માં ભાડાના મકાનમાં રહી સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતા બીજોય ગોપાલ માઇતી નામના શખ્સ સામે રૂા.24.46 લાખની કિંમતનું 465 મીલી ગ્રામ સોનું લઇ ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બીજોય માઇતી અગાઉ અલીપકુમાર દેઇને ત્યાં સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતા હોવાથી બંને એક બીજાના પરિચીત હોવાથી ત્રણેક માસ પહેલાં પોતાને કામ આપવા બીજોય માઇતીએ જણાવ્યું હતી. અગાઉ કામ કરતો હોવાથી તેના પર વિશ્ર્વાસ હોવાથી ગત તા.2-4-22ના રોજ ફાઇન સોનું આપી સોનાના ઘરેણા બનાવાનું કામ સોપ્યું તે તા.8-4-22ના રોજ પુરૂ કરી પરત આપી દેતા તેના પર વધુ વિશ્ર્વાસ બેસતા અલીપકુમાર દેઇએ તા.21-4-22 થી તા.3-5-22 સુધીમાં રૂા.24.46 લાખની કિંમતનું 465 મીલી ગ્રામ સોનું ઘરેણા બનાવવા આપી તા.15-5-22 સુધીમાં ઘરેણા બનાવી આપવા જણાવ્યું હતું. તા.15 મેના રોજ રવિવાર હોવાથી તપાસ કરી ન હતી અને તા.16 મેના રોજ બીજોય માઇતી ઘરેણા આપવા ન આવતા કેવડાવાડીમાં તપાસ કરતા તે મકાન ખાલી કરી ભાગી ગયાનું જાણવા મળતા પોતાની સાથે છેતરપિંડી થયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
એ ડિવિઝન પી.એસ.આઇ. જે.ડી.વસાવા સામે રૂા.24.46 લાખની છેતરપિંડી અંગેનો ગુનો નોંધી બીજોય માઇતીની શોધખોળ હાથધરી છે.