- આવાસ યોજના વિભાગે આધાર કાર્ડમાં આધારે ક્રોસ વેરીફીકેશન શરૂ કર્યું:ડિપોઝિટ અને મેઇન્ટેનન્સની રકમ જપ્ત કરાશે
મધ્યમ અને ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર અમે રાજ્ય સરકારના આર્થિક સહાયથી અલગ પ્ આવાસ યોજના બનાવવામાં આવે છે. મધ્યમ અને ગરીબ પરિવારને ઘરનું ઘર આપવાના આ કામમાં અનેક લેભાગુઓ ગેરલાભ લેતા હોવાનું ફરી એક વખત પ્રકાશમાં આવ્યું છે. ઓનલાઈન ડ્રો હોવાના કારણે આવાસ ફાળવણીમાં ઘાલમેલ થઈ શકતી નથી પરંતુ અનેક અરજદારો દ્વારા ઘરનું ઘર હોવા છતાં આવાસનું ફોર્મ ભરી ફ્લેટ મેળવી લીધા હોવાનું ધ્યાનમાં આવતા કોર્પોરેશનના આવાસ યોજના વિભાગે આધારકાર્ડના આધારે સર્ચ કરી તાજેતરમાં વાવડીમાં ફાળવેલા અનેક આવાસો રદ કરવાની કાર્યવાહી શરૂ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ અંગે કોર્પોરેશનની આવાસ યોજના વિભાગમાંથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્માર્ટ ઘર સહિતની યોજનાઓમાં વાર્ષિક આવકના આધાર ઉપર મધ્યમ વર્ગીય પરિવારોને આવાસ ફાળવવામાં આવે છે. સરકારના નિયમ મુજબ જે વ્યક્તિ પાસે પોતાનું ઘરનું ઘર હોય તેમને આવાસ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. છતાં અનેક લેભાગુ તત્વો દ્વારા આવાસો મેળવી ઘરના ઘરમાં રહેતા હોવાથી આ પ્રકારના આવાસો મેળવી કવાટર ભાડેથી આપી દેતાં હોવાનું બહાર આવ્યું હતું. જેના લીધે તાજેતરમાં વાવડી વિસ્તારમાં બનાવવામાં આવેલ આવાસ યોજનાનો ડ્રો થયા બાદ અરજદારોને આવાસ ફાળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ આવાસનો ડ્રો થયા બાદ લાભાર્થીઓને લીસ્ટ ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવે તેમાં અનેક લાભાર્થીઓને ઘરનું ઘર હોવા છતાં આવાસ યોજનાનું ફોર્મ ભરી આવાસ મેળવી લીધાનું બહાર આવ્યું છે.
પરિણામે આવાસ વિભાગે આ પ્રકારના અરજદારોના આવાસ બ્લોક કર દેવામાં આવ્યા છે.
તેમજ તેઓએ ભરેલ ડિપોઝીટની રકમ પણ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આવાસ યોજના વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર 1100થી વધુ આવાસનો ડ્રો કર્યા બાદ રાજ્ય સરકારના પોર્ટલ ઉપર ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવે છે. લાભાર્થીઓ દ્વારા જ્યારે ફોર્મ ભરવામાં આવે ત્યારે ફોર્મના ડોક્યુમેન્ટની ચકાસણી કરી યોગ્ય હોય તો લાભાર્થીનું ફોર્મ આવાસ યોજનાના ડ્રોમાં સામેલ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ ડ્રોમાં જે લાભાર્થીને આવાસ લાગ્યા હોય તેમના નામની યાદી તૈયાર કરી લાભાર્થીએને જાણ કરાઈ છે. ડ્રોમાં લાગેલા આવાસના લાભાર્થીઓનું લીસ્ટ આધારકાર્ડના આધારે ચેક કરવામાં આવે છે. જેનાથી આ અરજદાર પાસે ઘરનું ઘર છે કે નહીં તેની સચોટ માહીતી મળતી હોય છે. જેમાં વાવડી આવાસ યોજનાના લાભાર્થીઓનું લીસ્ટ ચેક કરતા અનેક લાભાર્થીઓએ ઘરનું ઘર હોવા છતાં આવાસ મેળવી લીધાનું માલુમ પડ્યું છે. આથી આ પ્રકારના આવાસોમાં ડ્રોના નામ રદ કરી આ અરજદારોને મેન્ટેનન્સ ફી ભરવા માટે બોલાવવામા આવ્યા નથી. તેમજ અરજદારોને આવાસ પેટે અગાઉ ભરેલ રૂા. 5000 અને 10,000 ની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી છે. તેવી જ રીતે બ્લોક થયેલા આવાસોનું અલગથી લીસ્ટ બનાવી નવો ડ્રો કરવામાં આવે તે પહેલા આ આવાસો માટે ફરીવખત ફોર્મ બહાર પાડવામાં આવશે ત્યાર બાદ જે અરજદારને ડ્રોમાં આવાસ લાગશે તેમને આ આવાસની ફાળવણી કરી દેવામાં આવશે.
ભાડે આપેલા આવાસોના લાભાર્થીઓનું ચેકીંગ થશે
મહાનગરપાલિકાએ અગાઉ ફાળવેલા આવાસો પૈકી અનેક આવાસો ભાડેથી આપ્યા હોવાનું અનેક વખત ખુલવા પામ્યું છે. આવાસ વિભાગના ચેકીંગ દરમિયાન આ પ્રકારના આવાસો ખાલી કરાવડાવી સીલ કરાવમાં આવે છે. અને લાભાર્થીને નોટીસ પાઠવવામાં આવતી હોય છે. પરંતુ ઘરનું ઘર હોવા છતાં અનેક લાભાર્થીઓએ આવાસ યોજનાના ક્વાર્ટર મેળવી લીધાનું માલૂમ પડતાં બ્લોક કર્યાનું બહાર આવ્યું છે.
ત્યારે આજ સુધી ભાડેથી આપેલા સીલ થયેલા આવાસોના લાભાર્થીઓના ડોક્યુમેન્ટ તેજ તેમને જે સમયે આવાસ ફાળવવામાં આવેલ તે સમયે તેમની પાસે પોતાના નામનું ઘરનું ઘર છે કે નહીં તે સહિતની ચકાસણી કરવામાં આવશે અને જો આ વ્યક્તિ પાસે અગાઉ ઘરનું ઘર હશે તો તેમને ફાળવવામાં આવેલા આવાસ પરત લઈ લેવામાં આવશે તેમજ તેઓએ ભરેલ ડિપોઝીટ સહિતની રકમ પણ જપ્ત કરવામાં આવશે.