અબતક,જામનગર
જામનગરની બેડી મરીન પોલીસનો એક પોલીસ જવાન આજે ટ્રકચાલક પાસેથી 11 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. કોલસાનું પરિવહન કરતા ટ્રકચાલકોને હેરાનગતિ ન કરવા બદલ ટ્રકના માલિક પાસેથી પોલીસકર્મીએ લાંચ માગી હતી. એસીબીમાં ફરિયાદ થતા એસીબીએ છટકુ ગોઠવી પોલીસકર્મીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
જામનગરમાં એન્ટી કરપ્શન વિભાગની ટીમે વધુ એક સફળ ટ્રેપ પાર પાડી છે. શહેર નજીકના બેડી મરીન પોલીસ દફતરમાં ફરજ બજાવતા ઘનશ્યામસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારીએ એક આસામી પાસેથી પોતાના બંદર તરફ કોલસા ભરેલ આવાગમન કરતા વાહનોના સુચારુ પરિવહન માટે લાંચની માંગણી કરી હતી. પોલીસકર્મીએ વાહનનોનું પરિવહન બેરોકટોક ચાલુ રહે તે હેતુથી વાહનોના માલિક પાસેથી રૂપિયા અગિયાર હજારની લાંચની માંગણી કરી હતી. જો કે વાહન માલિકને લાંચ આપવી ન હોવાથી જામનગર એન્ટી કરપ્શનની ટીમનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે જામનગર એસીબી પીઆઈ પરમાર સહિતની ટીમે આજે સવારે બેડી મરીન પોલીસ દફતરના વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી. જેમાં આ ઘનશ્યામસિંહ જાડેજા નામનો પોલીસકર્મચારી રૂપિયા 11 હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. એસીબીએ પોલીસકર્મીની અટકાયત કરી ભ્રસ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી છે. એસીબીની ટીમ હાલ આરોપી પોલીસ કર્મચારીને એસીબી કચેરી લઇ ગઈ છે. આવતી કાલે આરોપી પોલીસકર્મીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.