નિર્મલા મેઇન રોડ પર આકાશ ગંગા એપાર્ટમેન્ટમાંથી રૂ.એક લાખના મોબાઇલ અને લેપટોપ ચોરાયા
શહેરમાં ચોર અને ગઠીયા સક્રીય બન્યા હોય તેમ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં કારમાંથી રૂ.૪ લાખની રોકડ સાથેના થેલાની ચોરી થયાની જ્યારે નિર્મલા રોડ પર આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીના રૂમમાંથી રૂ.૧ લાખની કિંમતના મોબાઇલ અને લેપટોપ ચોરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
કાલાવડ રોડ પર આવેલા અક્ષર માર્ગ પર રહેતા અને આજી વસાહતમાં સિતારામ સ્ટીલ નામનું કારખાનું ધરાવતા પાર્થભાઇ ભરતભાઇ નથવાણી જી.જે.૩જેઆર. ૯૦૬૩ નંબરની ઇનોવામાં ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં પટેલ ધર્મ શાળા પાસેથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા શખ્સે કારમાંથી ઓઇલ ઢોળાતું હોવાનું કહી કાર ઉભી રખાવી રૂ.૪ લાખની રોકડ સાથેના થેલાની ઉઠાંતરી કરી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પાર્થભાઇ નથવાણીના માણસ કેનાલ રોડ પર બેન્કમાંથી પૈસા ઉપાડીને સોરઠીયાવાડી સર્કલ પાસે ઇનોવા પાર્થભાઇ નથવાણીને આપતા તેઓ ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે કારમાંથી ઓઇલ ઢોળાતું હોવાનું સાંભળી બોનેટ ખોલી તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન ગઠીયો રોકડ સાથેનો થેલો ઉઠાવી જતા પી.આઇ. એન.કે.જાડેજા અને પી.એસ.આઇ. અંબાસણા સહિતના સ્ટાફે કેનાલ રોડ, સોરઠીયાવાડી સર્કલ અને પટેલ ધર્મશાળા પાસેના સીસીટીવી ફુટેજ મેળવતા એક સાથે ચાર શખ્સો નજરે પડે છે તે પૈકીના એક શખ્સ પાસે થેલો હોવાનું જણાતા ઉઠાવગીર અમદાવાદની છારા ગેંગ હોવાની શંકા સાથે સીસીટીવી ફુટેજ અમદાવાદ બાપુનગર પોલીસ મથકના પી.આઇ.ને મોકલ્યા છે.
જયારે મુળ અમરેલીના અમરાપુર ધાનાણી ગામના વતની અને રાજકોટના નિર્મલા રોડ પર આકાશ ગંગા એપાર્ટમેન્ટમાં રહી અભ્યાસ કરતા આકાશ નવનીતભાઇ આંકોલીયાએ પોતાના રૂમમાંથી રૂ.૧ લાખની કિંમતના ચાર મોબાઇલ અને એક લેપટોપ તેમજ કેમેરો ચોરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તસ્કરો પાસપોર્ટ, આધાર કાર્ડ અને એટીએમ કાર્ડ ઉઠાવી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.