• ખંભાતના અખાતના દરિયામાં આશરે 200 ચોરસ કિમી વિસ્તારમાં 500 મેગાવોટની ક્ષમતાવાળી વિન્ડ મિલો ઊભી કરવામાં આવશે: ગુજરાતમાં 10 ગીગાવોટ ઓફશોર વિન્ડ પાર્ક વિકસાવવા માટે સીબેડ બ્લોક્સની મંજૂરી પણ કેન્દ્ર દ્વારા અપાઈ

સરકાર સંચાલિત સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વાયેબિલિટી ગેપ ફંડિંગનો ઉપયોગ કરીને ગુજરાતના દરિયા કિનારે 500 મેગાવોટના વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે બિડ આમંત્રિત કરી છે. કેન્દ્રીય કેબિનેટે ગત જૂન મહિનામાં ગુજરાત અને તમિલનાડુમાં 1000 મેગાવોટના ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ માટે વાયેબિલિટી ગેપ ફંડિંગ સ્કીમને મંજૂરી આપી હતી. આ અંગે ગત સપ્તાહે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તેની પ્રસ્તાવિત ગાઈડલાઈન મુજબ સફળ બિડરે ગુજરાત માટે યુનિટ દીઠ રૂ.4.5ના ફિક્સ્ડ ટેરિફથી પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવાના રહેશે.ત્યારે હવે દેશનો સૌથી પહેલો ઓફશોર એટલે કે દરિયામાં વિન્ડ પાવર પ્રોજેક્ટ ગુજરાતમાં ઊભો થવા જઇ રહ્યો છે. ખંભાતના અખાતમાં પીપાવાવ પોર્ટની સામેની તરફ દરિયામાં 500 મેગાવોટની ક્ષમતાવાળો વિન્ડ પાવર પ્રોજેક્ટ ઊભો કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઇ છે. કેન્દ્રની નવી અને પુન: પ્રાપ્ય ઊર્જા મંત્રાલયની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપનીએ ઓફશોર વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડી દીધા છે. ચાલુ વર્ષના અંત સુધીમાં બીડિંગ પ્રક્રિયા આખરી થઇ જશે. વીજીએફ એ કેન્દ્રની 100 દિવસની યોજનાનો ભાગ છે. નેશનલ ઓફશોર વિન્ડ એનર્જી પોલિસી 2015ના અમલની દિશામાં આ મહત્વનું પગલું છે. દેશના સમુદ્ર કિનારા પર વિન્ડ એનર્જી ઉત્પાદનની ક્ષમતાનો ઉપયોગ કરવાના હેતુથી આ યોજના જાહેર થઈ હતી. ગત જૂન મહિનામાં ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનલિટિક્સે કહ્યું હતું કે ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ માટે વીજીએફની ખાસ્સા સમયથી જરૂર જણાતી હતી. આ યોજનાને પગલે આ સેગમેન્ટમાં રોકાણ વધશે તેવી શક્યતા છે. ભારતને તેના 2030 સુધીમાં 500 ગીગાવોટ અને 2070 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે છેલ્લા દશકથી બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે શરૂ કરેલી તૈયારીઓના ભાગરૂપે કેન્દ્રીય મંત્રાલયે ગયા વર્ષે ગુજરાત સહિત દેશભરના દરિયાકાંઠો ધરાવતા રાજ્યોના ભારતીય દરિયાઇ સીમાના મહત્વના સ્થળોની પસંદગી પ્રક્રિયા કરી હતી. હાલ ગુજરાતના ખંભાતના અખાતના દરિયામાં આશરે 200 ચોરસ કિમી વિસ્તારમાં 500 મેગાવોટની ક્ષમતાવાળી વિન્ડ મિલો ઊભી કરવાનું આયોજન છે. રાજ્યના ઊર્જા મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ બીઓપી એટલે કે બિલ્ટ, ઓન, ઓપરેટના ધોરણે ઊભો થશે. બીડ આખરી થયા પછી 48 માસમાં ઊભો થાય એવી ગણતરી છે. જેને ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે જોડી શકાય એવી રીતે ડિઝાઇન તૈયાર કરાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.