સામાન્ય વહીવટ વિભાગના પ્રવર્તમાન નિયમોમાં છૂટછાટ આપીને ખાસ કિસ્સામાં ભરતીની છૂટ આપતાં મુખ્યમંત્રી
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક જ સંવર્ગ માટે પરીક્ષાઓ યોજાતી હોય માત્ર તેવા પ્રસંગોએ જ અત્યાર સુધી વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવતું હોય છે. પરંતુ, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં એક થી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી – ૨૦૧૯માં લેવાયેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવેલ ન હતું. આ બાબતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆતો થતા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવાનોને સરકારી સેવામાં તક મળે એ માટે આવા નિયમોમાંથી છૂટછાટ આપીને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં ખાસ કિસ્સામાં આ વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
જાડેજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલ પરીક્ષામાં વિવિધ સંવર્ગમાં જે ભરતીઓ થઇ છે તેમાં યુવાનો ઘણી વાર હાજર થતા નથી તથા અન્ય જગ્યાએ નિમણૂક થતાં પણ નોકરી છોડીને જતા રહેતા હોય છે. તેમજ ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઇ જતી હોઇ, તેવા ઉમેદવારોને પણ તક મળે તે આશયથી આવી ખાલી પડેલ જગ્યાઓ ભરવા સારૂ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે.