વૈશ્વિક જીડીપીના ૨૧ ટકા ગ્લોબલ વોર્મિંગના કારણે ‘ઓગળી’ જશે
ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક દેશોના ભૌગોલિક વિસ્તારો અને નાગરિકોના આરોગ્ય ઉપર જોખમ તોળાઈ રહ્યું હોવાના અહેવાલો ભૂતકાલમાં અનેક વખત આવી ચૂકયા છે. જો કે, નવા અભ્યાસ મુજબ ગ્લોબલ વાર્મિંગની માઠી અસર અર્થતંત્ર પર પણ થવાની દહેશત છે. વર્ષ ૨૧૦૦ના અંત સુધીમાં ભારતની ૯૦ ટકા જીડીપી ગ્લોબલ વોર્મિંગના કારણે ‘ઓગળી’ જશે. ૨૧૦૦ સુધીમાં સામાન્ય કરતા ત્રણ સેલ્સીયસ તાપમાન વધી જશે જેના માઠા પરિણામો આખા વિશ્ર્વને ભોગવવા પડશે.
વર્તમાન સમયે ભારતમાં સામાન્ય તાપમાન ૨૬ સેલ્સીયસ છે. દર વર્ષે તાપમાનમાં ૦.૫ સેલ્સીયસનો વધારો થતો હોય છે. બીજી તરફ દેશનું અર્થતંત્ર વિકસાવવા માટે મોદી સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓની અમલવારી કરવામાં આવી રહી છે. આવા સંજોગોમાં મહામારી સહિતની અડચણો અર્થતંત્રના વિકાસ આડે આવીને ઉભી રહે છે. અલબત અર્થતંત્રનું ગળુ દબાવવા મહામારી નહીં પરંતુ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
ઓકસ્ફર્ડ ઈકોનોમીના આંકડા મુજબ ભવિષ્યમાં કલાઈમેટ ચેન્જના કારણે આર્થિક મુશ્કેલીઓ ઉભી થશે. જે દેશમાં વસ્તી વધુ છે તેમની રહેણીકરણી પર ગ્લોબલ વોર્મિંગની અસર થશે. ખાસ કરીને લોકોને આવક ગ્લોબલ વોર્મિંગના કારણે ઘટશે. ભૌગોલિક તેમજ આર્થિક બાબતો પર હવામાનમાં નાનાકડા બદલાવની ગંભીર અસર જોવા મળશે.