દુધઈથી ૨૧ કિલોમીટર દુર ઉતરમાં કેન્દ્રબિંદુ નોંધાયું
ગુજરાતમાં સતત એક મહિનાથી કચ્છમાં નોંધાઈ રહેલા ભુકંપનાં આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જેમાં આજે વહેલી સવારે કચ્છનાં દુધઈમાં ૫:૨૫ કલાકે ૩.૧ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભુકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી ૨૧ કિલોમીટર દુર નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ૧૬ જુલાઈનાં રોજ પણ સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ભુકંપનાં આંચકા અનુભવાતા લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો હતો જેના લીધે રાજકોટ સહિતનાં વિસ્તારોમાં લોકો ફફડીને બહાર દોડી આવ્યા હતા. આ ભુકંપનું એપી સેન્ટર રાજકોટથી ૨૨ કિલોમીટર દુર હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત વાત કરીએ તો મોડીરાત્રે ૧:૦૦ વાગ્યા આસપાસ સૌરાષ્ટ્રનાં તાલાલાથી ૧૪ કિલોમીટર દુર ૧.૫ની તિવ્રતાનો ભુકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ઉતર દિશામાં નોંધાયું હતું જોકે આ આંચકો હળવો હોય કોઈને જાણ થઈ ન હતી અને કોઈ જાનહાનીનાં પણ સમાચાર મળ્યા ન હતા પરંતુ આજે વહેલી સવારે કચ્છમાં આવેલા આંચકાની તિવ્રતા ૩.૧ની હોય લોકો ઘરની બહાર નિકળી ગયા હતા અને ભયભીત થઈ ગયા હતા.
વારંવાર આવતા ભુકંપનાં આંચકાથી લોકોમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો છે. અગાઉ રાજકોટમાં વહેલી સવારે ૪.૫ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ રાજકોટથી ૧૮ કિલોમીટર દુર દક્ષિણ પૂર્વ તરફ નોંધાયું હતું અને આ આંચકો લગભગ ૩ થી ૪ સેક્ધડ માટે અનુભવાયા હતા. આમ તો કચ્છમાં હળવા આંચકા અનુભવાતા હોય છે પરંતુ આજનો આંચકાની તિવ્રતા વધુ હોય લોકોમાં ભય ફેલાયો છે.