- શહેરમાં વધુ એક સગીરાનું શિયળ લૂંટાયું
- ધમકી આપી મુખમૈથુન કરાવી વિડીયો ઉતારી લીધો : જાનથી મારી નાખવાની ધમકી આપી દેહ અભડાવનાર ધવલ દાદુકીયાની ધરપકડ
શહેરમાં દુષ્કર્મના બનાવમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં છ દુષ્કર્મના બનાવ સામે આવ્યા બાદ વધુ એક સગીરાનું શિયળ લૂંટી લેવાયાનો અહેવાલ સામે આવ્યો છે. 15 વર્ષીય સગીરાનો સ્નેપચેટમાં સંપર્ક કરી મિત્રતા કેળવી ધવલ દાદુકીયા નામના શખ્સે ઘરમાં ઘુસી જાનથી મારી નાખવાની ધમકી આપી મુખમૈથુન કરાવી તેનો વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં વધુ એકવાર ઘરે ઘુસી જઈ ધમકી આપી દુષ્કર્મ ગુજારી લીધું હતું. મામલામાં સગીરાના પિતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ધવલ દાદુકીયાની ધરપકડ કરી છે.
મામલામાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભોગ બનનારી સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં લોહાનગરના રહેતા ધવલ સંજયભાઈ દાદુકીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે એક પુત્ર જેની ઉમર 17 વર્ષ અને એક પુત્રી જેની ઉમર 15 વર્ષ 10 મહિના અને 30 દિવસ છે. તેમની પત્ની ઘરની આજુબાજુમાં અન્ય લોકોના ઘરકામ કરે છે અને તેઓ પોતે ડ્રાયવિંગનો વ્યવસાય કરે છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમની પુત્રી ધો.-11માં અભ્યાસ કરે છે અને તેની પાસે સીમકાર્ડ વિનાનો મોબાઈલ છે જેનો ઉપયોગ અભ્યાસ અર્થે કરવામાં આવે છે. ગત તા. 18/02/2025 ના રોજ મારી દીકરી શાળાએ ગયેલ તે દરમિયાન મારા દીકરાએ પુત્રીનો મોબાઇલ ચેક કરતા ઇસ્ટાગ્રામ નોટિફિકેશનમાં ધવલ 302 નામની આઈડીમાંથી મેસેજ આવેલ હતો.
જેથી પુત્રએ આ આઇડીમાંથી આવેલ મેસેજ તેમજ વાતચીતની ચેટ જોઈ હતી અને ત્યારબાદ સ્નેપચેટમાં ધવલ દાદુકીયાના આઇડીમાંથી આવેલ મેસેજ જોતા એક વીડીયો ધવલે મોકલ્યાનું સામે આવ્યું હતું. પુત્રી પાસે એક શખ્સ મુખ મૈથુન કરાવતો હોય તેવો તદ્દન બિભત્સ વિડીયો જોતા પુત્રએ પિતાને વાત કરી હતી. બાદમાં પુત્રને પુત્રીની શાળાએ મોકલી પુત્રીને ઘરે બોલાવી લઇ સમગ્ર ઘટના અંગે પૂછતાં તેણે આપવીતી જણાવતા કહ્યું હતું કે,
હું ધવલ 302 આઇડીવાળા ધવલ દાદુકીયાને સાત મહિનાથી ઓળખું છું. હુ મારી પાસે રહેલ સીમ કાર્ડ વગરના મોબાઇલમા ઘરના બીજા મોબાઇલમાંથી વાઈ-ફાઈથી નેટ કનેક્ટ કરી યુ ટ્યુબ પર અભ્યાસના વીડીયો જોતી હોય અને આ ધવલની મને સ્નેપચેટ આઈડીમાથી ફ્રેંડ રિકવેસ્ટ આવેલ હતી. જેથી મે તેની રિકવેસ્ટ એક્સેપ્ટ કરેલ અને અમારા બન્ને વચ્ચે મોબાઇલમા વાતચીત ચાલુ થયેલ હતી. દરમિયાન ધવલ બે વખત મારી શાળાએ મને મળવા આવેલ હતો.
બાદમાં ગઇ તા. 05/02/2025 ના રોજ સવારના સાડા દશેક વાગ્યાની આસપાસમાં આપણા ઘરે કોઈ ન હતું ત્યારે ધવલ ઘરે આવેલ અને શરીર સંબંધની માંગણી કરેલ હતી પણ મેં ના પાડતા તેને મને જાનથી મારી નાખવાની ધમકી આપી મુખમૈથુન કરાવ્યું હતું અને આ બાબતની કોઈને જાણ કરતી નહીં તેમ કહી જતો રહ્યો હતો. બાદમાં તેણે મુખમૈથુનનો વિડીયો મારી જાણ બહાર ઉતારી લીધાનું ત્યારે જાણવા મળ્યું હતું કે તા.07/02/2025 ના રોજ તેણે મને આ વિડીયો મોકલ્યો હતો. ત્યાર બાદ બીજીવાર તા. 13/02/2025ના રોજ સવારના આશરે સાડા દશેક વાગ્યાની આસપાસ આપણા ઘરે કોઇ હતું નહિ ત્યારે ધવલ ઘરે આવેલ અને મને શરીર સંબંધની માંગણી કરેલ અને મેં ના પાડતા તેને મને ધમકી આપી કે જો તુ મારી સાથે શરીર સંબંધ નહિ બાંધે તો હું તને મારી નાખીશ બાદમાં દુષ્કર્મ ગુજારી લીધો હતો અને ચાલ્યો ગયો હતો.
ઘટનાની જાણ થતાં સગીરાને સાથે લઇ પરિજનો ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી તાત્કાલિક ધવલ સંજયભાઈ દાદુકીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.