મેટોડામાં સાથે કામ કરતો બાદલ પ્રેમજાળમાં ફસાવી ભગાડી જતા લોધિકા પોલીસમાં નોંધાતો ગુનો
શહેરમાં કાલાવડ રોડ પર આવેલ મેટોડાના કારખાનામાં સાથે કામ કરતા 25 વર્ષીય બાદલ બંસલે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયાની ફરિયાદ સગીરાના મામાએ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.
વિગતો મુજબ 15 વર્ષની સગીરાના મામાએ પોલીસ સમક્ષ આપેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે પડધરીના ખંભાળા ગામે રહું છું. તેઓ ત્રણ ભાઇ અને ત્રણ બહેન છે. જેમાં મોટી બહેનની 15 વર્ષીય દીકરી મેટોડા જીઆઇડીસીમાં ગેટ નં.1માં આવેલ જી.એન. મેટલ નામના કારખાનામાં મજૂરી કરતી હતી. ગત તા.22મીએ મને મારી ભાણેજે ફોન કરી કહ્યું કે, ‘મામા હું બાદલ બંસલ સાથે ટ્રેનમાં જાવ છું. હવે હું પાછી નથી આવવાની.’ તેમ કહીં ફોન કટ કરી નાખ્યો હતા.
સગીરાના માતા-પિતા મેટોડાના અંજલિ પાર્કમાં રહેતા હોય સગીરાના પિતાને ફોન કરી હકિકત જણાવી હતી. ત્યારે સગીરાના પિતા કારખાને મજૂરી કરવા ગયા હતા. જેથી હું તુરંત સગીરાના ઘરે પહોંચ્યો હતો. ઘરે, અડોશ-પડોશમાં અને મેટોડામાં રહેતા સગા-સંબંધીઓમાં તપાસ કરી હતી પણ સગીરા મળી ન હતી.સગીરાના પિતાએ કારખાનેથી આવી કહ્યું કે, સવારે 8 વાગ્યે કારખાને ગયો ત્યારે દીકરી ઘરે જ હતી. જે બાદ તે સાચે જ બાદલ સાથે ચાલી ગઈ હોવાનો ખ્યાલ આવ્યો કે, દીકરી સાથે મજૂરી કામ કરતો બાદલકુમાર બંસલ મારી 15 વર્ષની સગીર ભાણેજને લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી જતાં લોધિકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.