- એક પછી એક ધડાકા, સરકાર દ્વારા તંત્ર સામે કાર્યવાહીની જોવાતી રાહ
- મ્યુનિસિપાલિટી એકટ મુજબ પાંચ લાખથી મોટી કિંમતની મિલકત સોંપાતા પૂર્વે ચીફ ઓફિસરે ઠરાવ પસાર કરવો પડે, પણ એકટ મુજબ કાર્યવાહી ન થઇ
- પોલીસ દ્વારા ચીફ ઓફીસરની પૂછપરછ કરાઈ
મોરબી ઝૂલતા પુલ પ્રકરણમાં એક પછી એક ધડાકા થઈ રહ્યા છે.મ્યુનિસિપાલિટી એકટ મુજબ પાંચ લાખથી મોટી કિંમતની મિલકત સોંપાતા પૂર્વે ચીફ ઓફિસરે ઠરાવ પસાર કરવો પડે છે. પણ ઓરેવાને ઝૂલતો પુલ આપવાનો 15 વર્ષનો કરાર પાલિકામાં ઠરાવ વગર જ કરાયો હતો. આ ધડાકો સામે આવ્યા બાદ સરકાર દ્વારા તંત્ર સામે કાર્યવાહી થાય તેવી લોકો અપેક્ષા સેવી રહ્યા છે. બીજી તરફ પોલીસ દ્વારા ચિફ ઓફીસરની પૂછપરછ કરાઈ રહી છે.
મોરબી નગરપાલિકા હસ્તકની સરકારી મિલકત એવા ઝુલતાપુલની જવાબદારી વર્ષ 2022 ના માર્ચ મહિના કરાર કરીને ઓરેવા ટ્રસ્ટને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ ઝુલતા પુલના રીનોવેશનના કામ માટે થઈને તેને બંધ કરવામાં આવ્યો હતો અને રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ 26 તારીખ અને નવા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે આ ઝુલતાપુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ છઠના દિવસે સાંજે ધડાકાભેર ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેના કારણે 135 લોકોના ભોગ લેવાયા છે
આ ઝુલતોપુલ તૂટી પડતા અનેક ધડાકા થઈ રહ્યા છે. જે દિવસે જુલતો પુલ તૂટ્યો તેની સાથે જ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે આ પુલ રિનોવેશન કર્યા બાદ તેનો ફિટનેસ સર્ટી અથવા તો તેને યુઝ કરવા માટેની પરમિશન લેવામાં આવી ન હતી પરંતુ જો પુલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો તો તેને બંધ કરાવવા માટેની પાલિકાએ કેમ કોઈ તસ્દી ન લીધી ? અને પાલિકાએ કેમ નોટિસ ન આપી ? તે પણ એક તપાસનો વિષય છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મ્યુનિસિપાલટી એક્ટ મુજબ નગરપાલિકા હસ્તકની કોઈપણ મિલકત કે જેની કિંમત પાંચ લાખ કરતા વધુ થતી હોય તેવી મિલકતની જવાબદારી કોઈપણ વ્યક્તિ કે ટ્રસ્ટને આપતા પહેલા તે અંગેનો પાલિકાના જનરલ બોર્ડની અંદર ઠરાવ થવો જોઈએ અને ઠરાવ થયા બાદ તેની અમલવારી ચીફ ઓફિસરે કરાવવાની રહેતી હોય છે જોકે નગરપાલિકામાં છેલ્લે યોજાઈ ચૂંટણી બાદ અત્યાર સુધીમાં બે જ વખત જનરલ બોર્ડની બેઠક મળી છે.જેમાં તા 28/6/2021 ના રોજ પાલિકાની જુદી જુદી કમિટીની રચના કરવા માટે થઈને જનરલ બોર્ડની બેઠક મળી હતી અને ત્યારબાદ તા 29/3/2022 ના રોજ બજેટ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. આ સિવાય પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી નથી અને નગરપાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આ ઝુલતાપુલની જવાબદારી આપવા માટેનો જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો નથી તો પછી કઈ રીતે ઓરેવા ટ્રસ્ટને ઝુલતા પુલની જવાબદારી સોંપવાનો કરાર કરવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે અને આ તપાસ બાદ કાર્યવાહીની પણ માંગ ઉઠી છે.
કોઈ પણ મંજૂરી વગર પુલ ચાલુ થયો, જો ચીફ ઓફિસર ચેકીંગ કરવા જાત તો પણ તેને પાછું જ ફરવું પડત!!!
ચીફ ઓફિસરે દુર્ઘટના બાદ એવું નિવેદન આપ્યું છે કે ઓરેવા દ્વારા કોઈ પણ મંજૂરી લીધા વિના પુલ ચાલુ કરી દીધો હતો. ત્યારે ચીફ ઓફિસર ઉપર એ બાબતે ફિટકાર વર્ષી રહ્યો છે કે ભલે ઓરેવાએ તેને જાણ કરી ન હોય, પણ ચીફ ઓફિસર જાતે ચેકીંગમાં જઇ શકતા હોત.
પણ એક ચર્ચા એવી પણ ઉઠી છે કે વ્યવહારૂ રીતે વિચારીએ તો જો ચીફ ઓફિસર ઓરેવાએ રીનોવેટ કરેલા પુલ સામે વાંધો લઈને તેનું ચેકીંગ કરવા જાત તો પણ તેને વિલા મોઢે પાછું જ ફરવું પડત. કારણ કે ઓરેવા કંપની એક મોટી કંપની અને દુર્ઘટના પૂર્વે તે મોટી શાખ પણ ધરાવતી હતી. જો ચીફ ઓફિસર જેવા અધિકારી તેમની સામે ઉતર્યા હોત તો ગાંધીનગરથી તુરંત જ ચીફ ઓફિસરને ફોન રણક્યા હોત અને તેઓને પરત ફરવાનું ફરમાન આપી દેવામાં આવ્યું હોત.