૧૨ કલાકમાં અમદાવાદમાં ૪ સહિત રાજ્યમાં ૫ ના મોત : કુલ મૃત્યુઆંક ૯૫
વેરાવળમાં પોઝિટિવ મહિલા કોરોનાં સામેનો જંગ જીતી : રિપોર્ટ નેગેટિવ આવ્યો
રાજકોટમાં કોરોનાએ જંગલેશ્વર વિસ્તારને ઝપેટમાં લીધો હોય તેમ આજ રોજ વધુ એક ૧૬ વર્ષનો તરૂણ કોરોનાની ઝપેટમાં આવી જતા શહેરમાં કુલ કોરોનાગ્રસ્તની સંખ્યા ૪૨ પર પહોંચી છે. જ્યારે રાજ્યમાં ૧૨ કલાકમાં વધુ ૯૪ પોઝિટિવ કેસ અને ૫ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતની સંખ્યા ૨૨૭૨ અને ૯૫ દર્દીઓને કોરોના ભરખી જતા ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર પછી બીજા કર્મ પર આવી ગયું છે. જ્યારે વેરાવળમાં કોરોનાગ્રસ્ત મહિલાએ વાયરસને મ્હાત આપતા તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોમ કોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
રાજકોટમાં છેલ્લા ૩૪ દિવસમાં કુલ ૧૫૦૦થી વધુ પણ કોરોનાના સેમ્પલ મેળવી લેબોરેટરીમાં પરિક્ષણ કરવાં માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી કુલ ૪૨ દર્દીઓ કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા.જેમાં ગઈ કાલે લીધેલા ૬૨ સેમ્પલમાંથી જંગલેશ્વરના ૧૬ વર્ષના તરૂણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ રાજકોટ શહેરમાં કુલ ૪૧ અને ગ્રામ્યમાં ૧ પોઝિટિવ સાથે રાજકોટના ૪૨ દર્દીઓને કોરોના પોઝિટિવ નોંધાયો છે. ગઈ કાલે લીધેલા ૬૨ સેમ્પલમાંથી ૪૫ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને હજુ ૧૬ નમુનાઓનું પરિક્ષણની રાહ છે.કોરોનામાં સૌથી વધુ કેસ જંગલેશ્વર વિસ્તારના નોંધાતા કરફ્યુ લાદી દેવામાં આવ્યું છે. લોકલ ટ્રાન્સમિશન દ્વારા વિસ્તારમાં દિવસે ને દિવસે વિસ્તારમાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રાજકોટમાં નોંધાયેલા કુલ ૪૨ પોઝિટિવ દર્દીઓમાંથી ૩૦ પોઝિટિવ કેસ માત્ર જંગલેશ્વરના જ નોંધાયા છે.
રાજ્યમાં ૧૨ કલાકમાં વધુ ૯૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ રાજ્યના એપિસેન્ટર અમદાવાદમાં વધુ ૬૧ પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા ૧૪૩૯ પર પહોંચી છે. જ્યારે સુરતમાં પણ વધુ ૧૭ પોઝિટિવ કેસ સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક ૩૬૪ સુધી પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં વધુ ૪ મોત નિપજ્યા શહેરનો મૃત્યુઆંક ૫૭ સુધી પહોંચ્યો છે.જે આંકડો ૩૧ રાજ્ય કરતા પણ વધુ છે. રાજ્યમાં ગઈ કાલે કુલ ૦૫ મોત નિપજ્યા છે. કુલ મૃત્યુઆંક રાજ્યનો ૯૫ સુધી પહોંચ્યો છે.
અમદાવાદમાં વધતા જતા પોઝિટિવ કેસોની સંખ્યા અને કોરોનાગ્રસ્ત દર્દીઓની મોત ની સંખ્યાને ધ્યાનમાં રાખી કેરળમાં થયેલા પ્લાઝમા પરીક્ષણમાં સફળતા મળ્યા બાદ ગઈ કાલે વધુ બે કોરોના પોઝિટિવ દર્દીઓને તબીબી સંશોધન પરિષદમાં મંજૂરી બાદ પ્લાઝમા ચડાવાની કામગીરી કરવામાં આવી હતી.
રાજ્યમાં વધતા જતા કોરોનાગ્રસ્તની સંખ્યા અને મૃત્યુઆંક માં સતત આંક ઉચકતા ગુજરાત દેશભરમાં મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે આવી ગયું છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ ૫૦૦૦થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જ્યારે ૨૫૧ દર્દીઓને કોરોના ભરખી જતા દેશમાં મહારાષ્ટ્ર રાજ્ય એપિસેન્ટર બન્યું છે. ત્યાર બાદ ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૨૨૭૨ પોઝિટિવ કેસ અને ૯૫ દર્દીઓના મોત નિપજ્યા છે. જે દેશમાં બીજા સૌથી વધુ અસરકારક રાજ્ય તરીકે નોંધાઈ રહ્યું છે.
વેરાવળની અગાઉ કોરોનાગ્રસ્ત મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવતા ઘરવાપસી
સુત્રાપાડાના વાવડી ગામના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સધન કામગીરી કરવામાં આવી
વેરાવળના ચાર ચોક વિસ્તારમાં રહેતા બિલ્કીસ બાનુ પંજા (ઉ.વ.૪૯)ને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તા.૨૮ માર્ચના રોજ સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે દાખલ કરવામાં આવી હતી. તેનો કોરોના વાયરસનો પ્રથમ રિપોર્ટ કરતા તા.૨૯ માર્ચના રોજ પોઝીટીવ આવવાની સાથે તેઓની ૨૩ દિવસ સારવાર કરવામાં આવી હતી. કોરોના વાયરસનો છેલ્લા બે રિપોર્ટ કરાવતા નેગેટીવ આવતા બિલ્કીસબેન કોરોનામુક્ત થયા હતા. અને તા.૨૦ એપ્રિલના રોજ બિલ્કીસબેનને સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતેથી રજા આપવામાં આવી હતી. અને તેમને ૧૪ દિવસ સુધી હોમકોરોન્ટાઈનમાં રહેવાની સુચના આપવામા આવી હતી. સુત્રાપાડા તાલુકાના વાવડીગામના ૪૫ વર્ષીય પુરુષને કીડનીની બિમારીના કારણે તેની સારવાર માટે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ગયા હતા. તે દરમ્યાન કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેનો કોરોના વાયરસના સેમ્પ્લ લેવામાં આવતા તેનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. હાલમાં તેઓ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે.