રાજકોટ શહેરમાં રહેતાં અને બકાલુ વેંચતા સોળ વર્ષના વિધર્મી સગીરે તેના શાકભાજીના થડા નજીકથી અવાર- નવાર પસાર થતી તેર વર્ષની છાત્રા સાથે ઈન્સ્ટાગ્રામ મારફત પરિચય કેળવી તેણી સાથે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા બાંધી બાદમાં વાતો આગળ વધારી પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડીને અડપલા કરી લેતાં ભક્તિનગર પોલીસ દ્વારા સગીર સામે અપહરણ પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
સોળ વર્ષના સગીરે છાત્રાને ઇન્સ્ટાગ્રામ મારફત જાળમાં ફસાવી ટ્રેનમાં ભગાડીને લઈ ગયો ત્યારે ભક્તિનગર પોલીસે રેલ્વે પોલીસની મદદથી પકડી લીધો
ભક્તિનગર પોલીસે અપહરણ અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો
આ બનાવમાં ભક્તિનગર પોલીસે ભોગ બનનાર તેર વર્ષની બાળા કે જે અભ્યાસ કરે છે તેણીના કાકાની ફરિયાદ પરથી સોળ વર્ષના સગીર અપહરણ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.જેમાં આ સગીર કોઠારીયા રોડ વિસ્તારમાં શાકભાજીના થડે બેસી ધંધો કરે છે. ભોગ બનેલી છાત્રા અવાર-નવાર અહિથી પસાર થતી હોઇ તેની સાથે પરિચય કેળવી બાદમાં ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી.
ત્યારબાદ આ સગીર બકાલીએ બાળાને પ્રેમજાળમાં ફસાવી હતી.ગઇકાલે બાળા બપોરે ગાયબ થઇ જતાં પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી હતી અને પોલીસની મદદ લીધી હતી. ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, નિલેષભાઇ મકવાણા અને ડી. સ્ટાફની ટીમ સગીરાને શોધવા કામે લાગી હતી. મોબાઇલ ફોનની તપાસ થતાં તેણી ઇન્સ્ટાગ્રામ વાપરતી હોવાની વિગતો ખુલી હતી. તેના આધારે તપાસ થતાં એક સગીર સાથે તેણી ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્કમાં હોવાની વિગતો સામે આવતાં પોલીસ એ સગીરનું લોકેશન શોધી તેના ઘરે પહોંચી હતી. તે પણ ગાયબ હોઇ પોલીસે મોબાઇલ નંબરને આધારે લોકેશન શોધતાં રેલ્વે સ્ટેશન તરફનું લોકેશન મળતાં રેલ્વે પોલીસની મદદથી સગીર અને સગીરાને બંને રાજકોટ સ્ટેશને ટ્રેનમાં બેઠા હતાં ત્યાંથી જ શોધી કાઢયા હતાં.
ગઇકાલે સગીર આ છાત્રાને ભગાડી પહેલા પોતાના સગાને ત્યાં લઇ ગયો હતો. પણ સગાએ તેને તગેડી મુકી ઘરે જતાં રહેવાનું કહેતાં તે સગીરાને લઇ રેલ્વે સ્ટેશને પહોંચ્યો હતો અને દ્વારકા જઇ રહેલી ટ્રેનમાં બેસી ગયો હતો. પણ ટ્રેન ઉપડે એ પહેલા પોલીસ આવી ગઇ હતી. ગઇકાલે બપોરે આ બનાવ બન્યો ત્યારે બાળાના પિતા બહાર હતાં અને માતા બહારગામ હતાં. એ દરમિયાન તેણીને ભગાડી જવાઇ હતી. શારીરિક અડપલા પણ થયાનું ખુલ્યું હોઇ તેની કલમ પણ ઉમરાઇ હતી. જેથી હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.