શ્રમજીવી પરિવાર છકડા રીક્ષામાં માતાના મઢે દર્શન કરવા જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત: ટ્રક, છકડો અને બાઈક અડાતા હાઈ-વે પર ટ્રાફિક જામ થયો
ભુજ-નખત્રાણા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા માનકુવા-સામત્રા નજીક છકડો, ટ્રક અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં ૩ બાળકો સહિત ૧૨ લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજ નજીક ડાકડાઈ પાટીયા પાસે મહાકાલેશ્વર મંદિર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે શ્રમજીવી પરિવાર સવાર છકડાને ઠોકર મારતા સાઈડમાંથી પસાર થઈ રહેલા બાઈકને પણ ટકકર મારતા ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જ્યારે બનાવ બાદ ટ્રક ચાલક નાસી છૂટયો હતો.
અકસ્માતમાં રિલાયન્સ સર્કલ સામે મુંદ્રા રોડ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ૧૨ લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. હતભાગીઓ મધ્યપ્રદેશના રતલામના વતની હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતમાં પરબત ધનાજી પલાઈ (ઉ.૨૫), મુકેશ રણછોડ ચમાર (ઉ.૩૫), રાધેશ્યામ શંકરલાલ ચમાર (ઉ.૨૬), પપ્પુ રતનલાલ ભલાઈ (ઉ.૨૫), રીના પપ્પુ રતનલાલ (ઉ.૨૫), વસુંધરાબેન રણછોડ ચમાર (ઉ.૬૦), પૂજા રાધેશ્યામ ચમાર (ઉ.૨૫), બબુડી ઈશ્ર્વરલાલ ચમાર (ઉ.૧), ખુશી ઈશ્ર્વરલાલ ચમાર (ઉ.૬), રોહિત પપ્પુ ચમાર (ઉ.૧), માધુ લાલુ ચમાર (ઉ.૩૦) અને મહેશ રતનજી ભલાઈ (ઉ.૩૨)ના કમકમાટીભર્યા મોત નિપજયા છે. જ્યારે મહેરબાન થાવરજી ભલાઈ (ઉ.૨૫), ઈશ્ર્વર રણછોડ ચમાર (ઉ.૨૬), માયાબેન મુકેશ ચમાર (ઉ.૨૭), વર્ષાબેન ઈશ્વરલાલ ચમાર (ઉ.૧૧), રણછોડ નાનુ ચમાર (ઉ.૩૫)ને ગંભીર ઈજાઓ થતાં તેઓને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવારના સભ્યો નગરપાલિકામાં બ્લોક પારવાનું કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. છકડો રીક્ષા નં.જીજે૧૨બીવી-૦૫૭૧ તેમજ મોટર સાયકલ ચાલક માતાના દર્શન કરી પરત આવી રહ્યાંનું જાણવા મળ્યું હતું. ટ્રક નં.જીજે૧૨એડબલ્યુ-૮૮૨૯ના ચાલકે ઓવરટેક કરવા જતાં છકડો રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
ગમખ્વાર અકસ્માતના પગલે છકડા રીક્ષાના બુકડેબુકડા થઈ ગયા બાદ માનકુવા-સામત્રા હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાના પગલે માનકુવા એ-ડિવિઝન પોલીસ મકના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કલીયર કરાવવાની કામગીરી કરી હતી. અકસ્માત એટલી હદે ગંભીર હતો કે, હતભાગીઓ વેર-વિખેર હાલતમાં રસ્તા પર જોવા મળ્યા હતા. જ્યારે અકસ્માતના પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. ઘટનામાં મૃત્યુ પામેલા પરપ્રાંતિય મૃતદેહોને વતનમાં ખસેડવાની તજવીજ હાથધરી છે.