સરા ચોકડીએ કોંગ્રેસ દ્વારા રોડ પર શાકભાજી ફેંકી વિરોધ નોધાવ્યો : ખેડૂતોને ન્યાય અપાવવા માગ
હળવદ હાઈવે પર કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોને ન્યાય અપાવવા સરા ચોકડી પર શાકભાજીના ઢગલા કરી ધરણા કરવામાં આવ્યા હતા. મોંઘવારીએ માજાએ મુકી છે ત્યારે ભાજપ સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા હળવદ હાઇવે ચકકાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. હળવદ પોલીસે ધારાસભ્ય સહિત ૪૦ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
હળવદ- માળિયા હાઇવે પર કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર સાથે મોરચો માંડયો હતો અને ખેડૂતોને થતો અન્યાય નહીં સાંખી લેવા હળવદ- ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયા સાથે કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરોએ હળવદ હાઇવે બ્લોક કર્યોં હતો. તો સાથસોથ કોંગ્રેસ દ્વારા સરા ચોકડીએ હલ્લાબોલ કરી વધતી જતી મોંઘવારીના પુતળાદહન કર્યુ હતું. શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની સત્તામાં વધતી જતી મોંઘવારીની માર સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અનુસંધાને હળવદ પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. અને વિરોધ પ્રદર્શનમાં કોંગી ધારાસભ્ય પરસોતમ સાબરીયા સહિત ૪૦ જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. હળવદ કોંગ્રેસે કરેલા હાઇવે પર ચક્કાજામના સંદર્ભે પીઆઇ એમ.આર. સોલંકી ચાંપતો બંદોબસ્ત ખડકી દીધો હતો.
હળવદના સરા ચોકડીએ કરાયેલા વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પંચાયત સદસ્ય હેમાંગ રાવલ, શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેશ દવે, ધર્મેન્દ્ર એરવડીયા, વાસુદેવભાઇ પટેલ, ભીખાલાલ પટેલ,દેવાભાઈ ભરવાડ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.