જૂનાગઢ આવેલા મુખ્ય વનસંરક્ષકે પત્રકાર પરિષદ યોજી : ગેરકાયદેસર સિંહ દર્શનના શિકારી સમક્ષ ગુનો નોંધાશે સાથો સાથ સંડોવાયેલા વનકર્મીઓને પણ આકરી સજા થશે
જુનાગઢ ગઈકાલે ગુજરાતના વન સંરક્ષક જી.કે.સિંહા ઓચિંતા પહોંચ્યા હતા અને વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત પ્રેસ મીડિયાના મિત્રો સાથે એક પત્રકાર પરીષદ આયોજીત કરી હતી. જેમાં હાલ ગેરકાયદેસર સિંહ દર્શનના મામલાઓ તબકકાવાર બહાર આવી રહ્યા છે. જેના કારણે વન વિભાગની સતત છબી ખરડાઈ રહી છે છતાં પણ સિંહાએ આ બાબતે પત્રકારોને વર્તમાન સિંહ અને જંગલની સુરક્ષા અંગેની વિગતો આપી વન વિભાગનો લુલો બચાવ કર્યો હતો. આ બાબતે આજદિવસ સુધી ગેરકાયદેસર સિંહ દર્શનમાં એક પણ વન વિભાગના કર્મચારી સામે પગલા લેવાયા હોય તેવા સવાલના જવાબમાં કોન્ફરન્સ હોલમાં સન્નાટો છવાઈ ગયો હતો.
આ અંગે વિસ્તૃત વિગત અનુસાર હાલ ગેરકાયદેસર સિંહ દર્શનની તબકકાવાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અખબારી માધ્યમો વન અને વન વિભાગની વાતોને લઈ સિંહ તેમજ વનની સુરક્ષાને લઈ અનેક વખત ગાજી રહ્યા છે. વાસ્તવમાં સિંહ કે વન સુરક્ષિત નથી ત્યારે મુખ્યવન સંરક્ષકએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સાથે વન વિભાગના અધિકારીઓને રાખી સિંહ તેમજ વન સુરક્ષિત હોવાના દાવા કર્યા હતા. છેલ્લા ત્રણ વરસ દરમિયાન વીસથી વધારે સિંહોના અપમૃત્યુના બનાવો સીલસીલાબઘ્ધ રીતે બહાર આવ્યા છે. અનેક વખત જંગલમાં ભેદી આગ ભભુકી છે અને તેમાંય ખાસ કરીને જે વિસ્તારમાં ચંદનના વૃક્ષો આવેલા હોય છે ત્યાં સિંહો તેમજ અન્ય વન્ય પશુઓની હાલત રીતસર કુતરા બિલાડાથી બદતર કરી નાખવામાં આવી છે ત્યારે આ દાવાઓ સામે શહેરના ઉપસ્થિત પત્રકારોએ અનેક સવાલો કર્યા છે.
સિંહ દર્શનની ચાહ રાખનારાઓની લાલચને લીધે છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર સિંહ દર્શનમાં વધારો થયો છે. જેનો લાભ જંગલની આસપાસ મોટી કમાણી કરવાની ચાહ રાખનારાઓને મળી રહ્યો છે. સિંહો પાછળ ગાડીઓ દોડાવાય છે પજવણી કરવામાં આવે છે અને હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સિંહણની કુતરા જેવી હાલત કરી તેને ફકત એક મુરઘી માટે લલચાવવામાં આવી છે પરંતુ ગેરકાયદેસર સિંહ દર્શન મામલે વન વિભાગની સતત બગડતી છબીનો લુલો બચાવ કરવા જુનાગઢની મુલાકાતે આવેલ મુખ્ય વન રક્ષક સિંહાએ પ્રયાસ કર્યો હતો.ગીરના જંગલોમાં નજીકની ઘટનાઓને સિંહોની હાલત ખુબ જ દયનીય બની છે છતાં પણ જે.કે.સિંહાનું કહેવું છે કે ગીરના જંગલોમાં સિંહ ખુબ જ સુરક્ષિત છે.
સિંહના સંરક્ષણને લઈ વન વિભાગ કટીબઘ્ધ છે. સિંહ દર્શન માટેના અમુક નિયમો લોકોને ગેરકાયદેસર સિંહ દર્શન માટે પ્રેરે છે. ગીરના જંગલોમાં લોકો મોટાભાગે સિંહ દર્શન માટે જ આવતા હોય છે. જોકે મોટાભાગે પુછાયેલા પ્રશ્ર્નોમાં જે.કે.સિંહા પાસે કોઈ સચોટ જવાબ હાજર ન હતો. સિંહનું વીજ કરંટથી મોતના કેસમાં સવાલ એ પેદા થાય છે કે અભ્યારણ્યમાં વીજ કરંટ આવે જ કયાંથી ઘણા ખરા કેસમાં વન વિભાગના કારણો શંકા ઉપજાવે છે. આ સાથે ગેરકાયદેસર સિંહ દર્શનમાં કડક હાથે કાર્યવાહી હવેથી સિંહના શિકાર સમકક્ષ ભારે ગુનો દાખલ થશે. તેમજ ગીરના ૨૧ નાકા પર સઘન ચેકિંગ કરવામાં આવશે.
જો વન વિભાગના કર્મીઓની સંડોવણી ખુલશે તો તેની સામે પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. મહિનામાં એક વખત કોઈ પણ વ્યકિતને અગાઉથી જાણ કર્યા વગર રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે. જેથી ગુનાહિત પ્રવૃતિઓ ડામી શકાય વન વિભાગ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન મામલે ૩૮ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક કેસમાં અંદર સંડોવાયેલા વન વિભાગના કર્મચારી કે અધિકારી સામે પગલા લેવામાં આવ્યા નથી. સાથે સાથે સામાન્ય સજાના કારણે ગેરકાયદેસર સિંહ દર્શનમાં નોંધનીય વધારો આવ્યો છે છેલ્લા પાંચ મહિનામાં છ કેસ થઈ ચુકયા છે અને વધુ એક કેસમાં તપાસ ચાલી રહી છે પરંતુ આમા કયાંય વન વિભાગ ચિત્રમાં નથી.
સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મુજબ ૫૨૩ સિંહોમાંથી રક્ષિત વિસ્તારમાં ફકત ૩૫૬ સિંહો વસે છે જયારે ૧૬૭ સિંહો રેવન્યુ વિસ્તારના અલગ-અલગ ચાર જીલ્લાઓમાં વસે છે. દરેક વખતે ગેરકાયદેસર સિંહ દર્શન અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓના વિડીયો અથવા સમાચારો પ્રસિઘ્ધ થયા બાદ જ વન વિભાગ જાગે છે જે બાબત પણ વન વિભાગ માટે શરમજનક છે.