દક્ષિણ મુંબઈના ફોર્ટ એરિયામાં શનિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ પટેલ ચેમ્બર્સના કોઠારી મેન્શનના છઠ્ઠા ફ્લોર પર લાગી હતી. આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેના કારણે બિલ્ડિંગનો એક હિસ્સો પણ ધરાશાયી થયો હોવાની માહિતી મળી છે. આગ ઓલવવા માટે 16 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભીષણ આગ ઓલવવામાં 2 ફાયર ફાઈટરના કર્મચારીઓ ઘાયલ પણ થયા છે. છેલ્લા એક સપ્તાહમાં દક્ષિણ મુંબઈમાં આગ લાગવાની આ બીજી ઘટના છે.
#WATCH: A part of Patel Chambers collapsed as firefighters continue to douse the fire that broke out a few hours back in Mumbai’s Fort area. 2 Fire officials injured.18 Fire tenders at the spot. pic.twitter.com/l57dUXoOeT
— ANI (@ANI) June 9, 2018
માનવામાં આવે છે કે, આગ કોઠારી મેન્શન નામની બિલ્ડિંગમાં છઠ્ઠા ફ્લોર પર લાગી હતી. આગના કારણે તેનો અડધો હિસ્સો પણ ધરાશાયી થઈ ગયો છે. રાહતની વાત એ છે કે, જે સમયે આગ લાગી હતી તે સમયે આ ઈમારત ખાલી હતી. તેથી કોઈને જાનહાની થઈ નથી. આગ પટેલ ચેમ્બર્સની અંદર લાગી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પહેલાં આગ લેવલ-3ની હતી અને હવે વધીને તે લેવલ-4ની થઈ ગઈ છે.
આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આગ વધારે ન ફેલાય તે માટે ફાયર ફાઈટરની ટીમ ખૂબ મહેનત કરી રહી છે. થોડા સમય માટે આ રોડ ઉપર અવર-જવર રોકી દેવામાં આવી છે. માનવામાં આવે છે કે બીએમસીએ આ ઈમારતને પહેલેથી જ જોખમી જાહેર કરી હતી.
આ પહેલાં ગયા શુક્રવારે દક્ષિણ મુંબઈમાં આવેલા ઈન્કમ ટેક્સ વિભાગના સિંધિયા હાઉસમાં પણ ભીષણ આગ લાગી હતી. ઈન્કમ ટેક્સ વિભાગે આ ઓફિસમાં નીરવ મોદી જેવા ઘણાં આર્થિક આરોપીઓના સાથે જોડાયેલા દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા. તે સાથે જ કરચોરી સાથે જોડાયેલી પણ ઘણી ફાઈલો અહીં રાખવામાં આવી હતી.