રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઘાટકોપરના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ-હિંગવાલા લેનના આંગણે ભાવિકોને પ્રભુ ભકિતમાં ભીજવવા અનોખા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વ્યતીત થઈ રહેલા આયંબિલ ઓળીના પર્વ નિમિતે તપ-ત્યાગ અને આત્મશુઘ્ધિના અનેક કાર્યક્રમોની સાથે આગામી શનિવારે સવારના ૬:૩૦ કલાકે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ-હિંગવાલા લેન, ઘાટકોપર ઈસ્ટ ખાતે સિઘ્ધશીલાની ભાવયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રભુ મહાવીર વર્તમાનમાં જયાં બિરાજે છે એવા સિઘ્ધક્ષેત્રની ભાવ સ્પર્શના રાષ્ટ્રસંતશ્રીની ભાવવાહી શૈલીમાં કરાવીને ભાવિકોને પ્રભુ મલનની અદભૂત અનુભૂતિ કરાવવામાં આવશે. રવિવારે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિતે પ્રભુ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. પ્રેરણાત્મક નાટિકા ‘ત્યારે હું ભગવાન બન્યો’ની રજુઆત સાથે માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ મહાસ્વપ્નના દિવ્ય દર્શન પણ કરાવવામાં આવશે. જન્મોત્સવનો સમગ્ર કાર્યક્રમ સવારના ૯:૦૦ કલાકથી શ્રીભાટિયાવાડી, તિલક રોડ, ઘાટકોપર ઈસ્ટ ખાતે આયોજીત કરવામાં આવ્યો છે. તેમજ રાત્રે ૮:૦૦ કલાકે તિલક રોડ સ્થિત પારસધામ-ઘાટકોપરના પ્રાંગણે વિશ્ર્વ વિખ્યાત શાસ્ત્રીય ગાયક શ્રી કુમારભાઈ ચેટર્જીના સ્વરે ભકિત સંધ્યામાં પ્રભુને પારણિયે ઝુલાવવાનો લાભ લેવા સહુ ભાવિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.