જીવીત બાળકીના પરિવારજનો આવી ચડતા તબીબની બેદરકારી સામે આવી

સિવિલ હોસ્પિટલની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર અર્થે લેવાયેલી ગોંડલના ખંડવથલી ગામની બાળકીને ભળતા નામના કારણે તબીબે એકના બદલે બીજી બાળકીને મૃત જાહેર કરતા જીવિત બાળકીના પરીવારજનો પરત આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. તબીબની ગંભીર ભુલ થતા તંત્રમાં દોડધામ મચી હતી.ગોંડલ તાલુકાના ખડવંથલી ગામની બેબી રીનાબેન રાઠવા (ઉ.વ.૧ દિવસ)ને બેભાન હાલતમાં સારવાર અર્થે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સમયે કાગદડીના નાનજીભાઈ પરમારની એક દિવસની પુત્રી બેબીને પણ બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

સારવાર દરમિયાન બેબી રીના રાઠવાને તેના પરિવારજનો મુકી બહાર ગયા હતા. તે સમયે કાગદડીના નાનજીભાઈ પરમારની પુત્રી બેબીનું મોત નિપજયું હતું. તેના એમએલસી કાગળોમાં ભુલથી બેબી રીનાબેન રાઠવાનું નામ લખી નાખતા બેબી રીનાબેન રાઠવાનું મૃત્યુ થયુ હોવાનું જાહેર થયું હતું.

બેબી રીનાબેન રાઠવાના પરિવારજનો મૃત્યુ અંગેની જાણ થતા તેઓ આવી ગયા હતા. પરિવારજનો આવતાની સાથે જ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. હોસ્પિટલના પોતાની ભુલ થયાનો લુલો બચાવ કરી ભુલ સ્વીકારી લેતા મામલો થાળે પડયો હતો.

કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના ડો.પરીખને પ્રોફેસરના હોદા પરથી દુર કરાયા

અવાર-નવાર વિવાદમાં રહેલા તબીબનો હોદો છીનવાયો

સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના પ્રોફેસર ડો.યોગેશ પરિખ અવાર નવાર વિવાદમાં સપડાયા બાદ તેમના પદ પરથી દુર કરવા માટે ગાંધીનગરથી હુકમ આવતા તેમને પ્રોફેસરના પદ પરથી દુર કરવામાં આવ્યા છે.

મળતી વિગત અનુસાર કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના પ્રોફેસર ડો.યોગેશ પરિખ અવાર નવાર કોઈને કોઈ વિવાદોમાં આવતા હતા. તાજેતરમાં જ શુઝ પહેરી અને મોબાઈલ સાથે આવેલા બે વિદ્યાર્થીઓના મોબાઈલ ઝુંટવી તેમની સાથે ગેરવર્તણુક વર્તન કરતા મામલો સિવિલ સર્જન સુધી પહોંચ્યો હતો. તેમ છતાં પોતાની મનમાની ચલાવી મોબાઈલ પરત આપ્યા ન હતા. ત્યારબાદ ડો.યોગેશ પરીખ વિરુઘ્ધ ગાંધીનગર સુધી ફરિયાદ થઈ હતી. ફરિયાદના આધારે ગાંધીનગરથી તેમને પ્રોફેસરના પદ પરથી દુર કરવાનો હુકમ આવતા તેમને પદ પરથી દુર કરવામાં આવ્યા છે.

આ અંગે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડીન ડો.યોગેશ ગોસ્વામીની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ડો.પરિખને પ્રોફેસરના પદ પરથી દુર કરવાનો હુકમ જ ગાંધીનગરથી આવ્યો છે. હજુ તેની બદલીની કોઈ પ્રક્રિયા થઈ નથી. હાલ ડો.પરિખ રજા પર છે. તેઓ હોસ્પિટલમાં હાજર થયા બાદ જ તેમને પ્રોફેસરની જગ્યાએ હટાવી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.