પરિણીતાને આપઘાતની ફરજ પાડવામાં પતિ સહિત સાસરીયા સામે ગુનો નોંધાયો ‘તો
શહેરના કોઠારીયા રોડ નજીક પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં મૃતકના પતિ અને સસરાને પોલીસે ગેરકાયદે ગોંધી રાખતા કોર્ટમાં કરેલી ફરિયાદમાં પોલીસ અધિકારી સામે તપાસના અદાલતે આદેશ આપ્યા છે.
વધુમાં શહેરનાં કોઠારીયા સોલવન્ટ નજીક ઓમકાર સ્કુલ સામે આસોપાલવ સોસાયટીમાં રહેતી સંગીતાબેન ચેતનભાઈ ભાવનગરીયા નામની પરિણીતાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવમાં બોટાદના સમઢીયાળા ખાતે રહેતા મૃતકના પિતા ઘનશ્યામભાઈ ચતુરભાઈ સોલવાએ મૃતકના પતિ, સાસુ શારદાબેન, સસરા બાબુભાઈ, નણંદ હર્ષાબેન, નણંદોયા જયેશ વેગડ અને નણંદ દક્ષાબેન સહિતના સાસરીયા કરીયાવર અંગે ત્રાસ આપતા હોય આથી આ પગલુ ભરી લીધું હતુ.
આ કામના આરોપી ચેતનભાઈ તથા બાબુભાઈ કોર્ટમાં રીમાન્ડ અર્થે રજૂ કરતા આરોપીઓએ કોર્ટને જણાવેલ કે અમોને આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ગોંધી રાખવામાં આવેલ હતા.
આરોપીના એડવોકેટ તુષાર ગોકાણીએ રીમાન્ડ નામંજૂર કરવા વિસ્તૃત દલીલો કરેલ આરોપીઓને આજીડેમ પોલીસના અધિકારીઓ દ્વારા ગેરબંધારણીય અને ગેરકાયદેસર રીતે કાયદાની જોગવાઈથી વિરૂધ્ધ ૨૪ કલાકથી વધુ સમય માટે ગોંધી રાખેલા હતા. તમામ પોલીસ અધિકારીઓ સામે યોગ્ય પગલા લેવા રજૂઆતો કરી હતી.
તમામ રજૂઆતો ધ્યાને લઈ અદાલતે આરોપીઓને રીમાન્ડ પર સોંપવાની પોલીસની અરજી નામંજૂર કરી કોર્ટ દ્વારા આરોપીઓની ગેરકાયદેસર અટકાયત સંદર્ભે ઈન્કવાયરી કર્યાનો રીપોર્ટ ડીસ્ટ્રીકટ કોર્ટને મોકલી આપવા આદેશ કરતા ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ ઈન્કવાયરી દાખલ કરવાનો આદેશ કરેલા છે.
આ કામમાં આરોપીઓ વતી યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ રોકાયેલ હતા.