ગૌશાળાના પ્રમુખ સહિત અનેક લોકોને શિકાર બનાવ્યા: મોજશોખ કરવા ગુનાખોરીના રવાડે ચડયો વેપારી
શહેરના ભાવનગર હાઈવે પર પોલીસના નામે રોફ જમાવી અનેક વાહન ચાલકોને લુંટી ધાક ધમકી દેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે લુંટ ચલાવનાર ગઠિયાની ધરપકડ કરી વધુ પુછપરછ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા અને વિઠ્ઠલવાવ ગૌશાળાના પ્રમુખ અને ટ્રસ્ટી વશરામભાઈ નરશીભાઈ પટેલ (ઉ.વ.૫૫) પોતાનું બાઈક લઈ ભાવનગર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જી.જે.૧૨ જે ૪૬૩૨ નંબરની કારમાં આવેલા શખ્સે બાઈકને આંતરી વશરામભાઈને ઉભા રાખી વાહન આવી રીતે ચલાવાય તેમ કહી ગાળો ભાંડી હતી. ચાલ તને પોલીસ સ્ટેશને લઈ જાવો છે
તેમ કહી પોલીસ હોવાનો રોફ બતાવી કાઠલો પકડી ધમકાવ્યા હતા. વશરામભાઈ પોલીસ સ્ટેશને જવા તૈયાર થતા વશરામભાઈના હાથમાંથી બે મોબાઈલ ઝુટવી કાર લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે વશરામભાઈએ આજીડેમ પોલીસ મથકમાં આપવીતિ વર્ણવી હતી. આજીડેમ પોલીસે કાર નંબરના આધારે તિરૂમાલા યાર્ડ સોસાયટીમાં રહેતા ભરત ગીરધર અગ્રાવત (ઉ.વ.૩૫)ને ગણતરીના દિવસોમાં ઝડપી લીધો છે. પોલીસના નામે અન્ય કોઈ જગ્યાએ તોડ કે લુંટ ચલાવી છે કે કેમ તે અંગે હેડ કોન્સ્ટેબલ વી.સી.વાઘેલાએ તપાસ હાથધરી છે.