રૂ ૯૦ લાખનું ૮૦ લાખ વ્યાજ ચુકવ્યું: વ્યાજખોરના ત્રાસથી ૧૧ માસ ભૂગર્ભમાં રહેલા દંપત્તિને ધોકાવ્યા
અમરેલીમાં વ્યાજે આપેલા રૂ ૯૦ લાખની ઉધરાણી મુદ્દે બે વ્યાજ વાદીઓએ ફેકટરીના માલિક અને તેની પત્નીનું કારમાં અપહરણ કરીને ચાવંડ ગામે વાડીમાં ગોંધી રાખી દોરડા વડે બાંધીને બંધક બનાવી માર માર્યાની પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાંકવાદનું દુષણ માઝા મુકી રહ્યું છે. અને અનેક પરિવારો વ્યાજના વિષચક્રમાં હોમાઇ રહ્યા છે. આ ઘટનાની વિગતો આપતા અમરેલી પોલીસ પ્રવકતાએ જણાવ્યું હતું કે અમરેલીમાં લાઠી રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં રહેતા મુળ ખેતીનો વ્યવસાય અને ફેકટરી ધરાવતા ભરતભાઇ પરસોતમભાઇ કારેટીયાએ મુળ લાઠીના ચાવંડ ગામે અને હાલ અમરેલીમા રહેતા રણજીતભાઇ છૈયા પાસેથી અલગ અલગ સમયે કુલ ૯૦ લાખ રૂપિયા પ ટકા વ્યાજે લીધા હતા. જેમાં પહેલા ૪૫ લાખ રૂપિયા, કારખાનાની પ્રોમેસરી નોટરી પર ર૦ લાખ રૂપિયા અને ત્યારબાદ ફેકટરીના દસ્તાવેજ પર બીજા રપ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. અલગ અલગ સમયે વ્યાજ પેટે અત્યાર સુધીમાં કુલ ૮૦ લાખ જેટલી રકમ ભરી દીધી હતી અને તેમ છતાં પણ મુળગી રકમહજુ પણ ભરવી બાકી હતી. જેથી આરોપીઓ વાંરવાર ઉધરાણી કરીને ધાકધમકી આપતા હતા.
તા.૪ ના રોજ ભરતભાઇ પોતાના પરિવાર સાથે ઘરે હતા ત્યારે આરોપી રણજીત છૈયા કારમાં બેસીને આવ્યો હતો અને આપણે ફેકટરીના પૈસાની લેતીદેતી બાબતે ચર્ચા કરવાની છે. માટે લાઠી ચાલો તેમ કહીને કારમાં ભરતભાઇ અને તેમની પત્ની ઇલાબેનનું અપહરણ કરીને લઇ જવામાં આવ્યા હતા. બાદમાં આરોપીએ લાઠી જવાના બદલે ચાવંડ ગામે આવેલી તેમની વાડીમાં લઇ જઇને ત્યાં બનાવવામાં આવેલા મકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. રણજીત સહિત બે વ્યકિતએ ભરતભાઇને બંધક બનાવીને દોરડા વડે બાંધી દીધા હતા અને તલવાર, લોખંડના પાઇપ વડે માર માયો હતો અને તેમના પત્ની ઇલાબેનને પણ ધમકીઓ આપી હતી. બંનેને વાડીમાં જ બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.
વ્યાજખોરના ત્રાસથી ભરતાઇ કારેટીયા છેલ્લા ૧ર માસથી ભુગર્ભમાં ઉતરી ગયા હતા અને પુત્રીની સગાઇ હોવાથી ઘરે આવ્યાની ચાવંડના રણજીત છૈયાને જાણ થતાં કાર લઇને ઘરે આવી બંનેના અપહરણ કર્યાનું અને પોતાના પુત્ર ગૌતમને જાણ થતાં તેને ચાવંડથી છોડાવી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યાનું જણાવ્યું છે.