કોર્પોરેશન કચેરીમાં રામધુન બોલાવી: ઈજનેરો મ્યુનિ.કમિશનરને ઉલ્ટા ચશ્મા પહેરાવતા હોવાનો આક્ષેપ
શહેરના વોર્ડ નં.૩માં કોંગી કોર્પોરેટરો દ્વારા સુચવવામાં આવતા વિકાસ કામોને ઈજનેરો ટલ્લે ચડાવી દે છે. વિકાસના દુશ્મન એવા ઈજનેરો સામે આજે કોંગ્રેસે આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. કાળા ચશ્મા પહેરી વિરોધ નોંધાવ્યો હતો અને કોર્પોરેશન કચેરીમાં રામધુન બોલાવી હતી.
વોર્ડના કોર્પોરેટર અતુલભાઈ રાજાણી, દિલીભાઈ આસવાણી અને ગીતાબેન પુરબીયા સહિતના કોંગી અગ્રણીઓએ આજે વોર્ડ સાથે થતા અન્યાયના મુદ્દે આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. કાળા ચશ્મા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. સાથોસાથ કોર્પોરેશન કચેરીમાં રામધુન બોલાવી હતી અને ડે.કમિશનર ચેતન નંદાણીને આવેદનપત્ર પાઠવી એવી માંગણી કરી હતી કે કમિશનરના ડોડ ડાયા પી.એ. જે.ડી.કુકડીયા તથા વોર્ડ નં.૩ના ઈજનેરોની તાત્કાલિક બદલી કરવામાં આવે, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ઈજનેરોના પાપે પ્રાથમિક સુવિધાઓના કામ થતા નથી. નગરસેવકોની ગ્રાન્ટમાંથી સુચવેલા કામો પણ ટલ્લે ચડાવી દેવામાં આવે છે.