સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ સેવારત ૪૦૮ કરાર આધારીત બિનશૈક્ષણિક કર્મચારીઓને ખાનગી એજન્સીના હવાલે કરવાનો ચોંકાવનારો નિર્ણય યુનિવર્સિટી સતાધિશોએ કર્યો છે. નજીકના જ ભૂતકાળમાં માઈન્ડ લોજિક જેવી પ્રાઈવેટ એજન્સીઓને પરીક્ષા વિભાગની કામગીરી સોંપવાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ખુબ જ ખરાબ અનુભવ છે તેમજ કરાર આધારિત બિનશૈક્ષણિક કર્મચારીઓ હાલ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર, પુન:મૂલ્યાંકન વિભાગ સહિત અનેક ગોપનીય અને મહત્વના વિભાગોમાં પુરી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.
તેમની કામગીરીની સાપેક્ષમાં તેમને પગાર સ્વરૂપે નજીવી રકમ આપવામાં આવે છે. આ સ્થિતિમાં શોષણનો ભોગ બનતાં આ બિનશૈક્ષણિક કર્મચારીઓ પ્રવર્તમાન કારમી મોંઘવારીમાં પોતાની પ્રાથમિક જરૂરીયાતો સંતોષી શકે અને સ્વમાનભેર જીવી શકે એટલો પગાર વધારો કરવાને બદલે આ તમામ કર્મચારીઓને હવે અમદાવાદની કોઈ ખાનગી કંપનીને હવાલે કરેલ છે. આશરે ૪૦૮ જેટલા કર્મચારીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે પારિવારિક ભાવનાથી જોડાયેલા છે અને યુનિવર્સિટી પાસેથી જે નજીવો પગાર મેળવે છે તેની સામે અનેકગણું વળતર આ કર્મચારીઓ સંસ્થાને આપે છે. ખુદ આ કર્મચારીઓ પણ આવી કોઈ ખાનગી કંપનીના હવાલે થવા રાજી નથી ત્યારે આવો અવ્યવહારું, અતાર્કિક અને મનઘડત નિર્ણય સંસ્થાના હિતમાં નથી. આ નિર્ણય તાકીદે રદ કરવા યુનિવર્સિટી સમક્ષ અંગ્રેજી ભવનના વડા ડો.જયદિપસિંહ ડોડીયાએ માંગ કરી છે.