એક સમયની વર્લ્ડ નંબર વન અને અત્યારે ૪૫૧મી રેન્ક ધરાવતી અમેરિકાની સેરેના વિલિયમ્સ સોમવારે અહીં ઈજાને કારણે રશિયાની મારિયા શારાપોવા સામેની પ્રી-ક્વોર્ટર ફાઇનલમાં નહોતી રમી. એ સાથે, સેરેના સ્પર્ધાની બહાર થઈ ગઈ છે. તેની અને શારાપોવા વચ્ચે બાવીસમી ટક્કર થવાની હતી. સેરેના પ્રથમ બાળકને જન્મ આપ્યા બાદ તાજેતરમાં જ ટેનિસ કોર્ટ પર પાછી આવી હતી. તેને છાતી અને પેડું વચ્ચેના સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે હાલપૂરતું રમવાનું બંધ કર્યું છે. તેને ત્રીજા રાઉન્ડની મેચ દરમિયાન જ આ સ્નાયુઓમાં દુખાવો શરૂ થયો હતો, પરંતુ તે રમતી રહી હતી.
એટલું જ નહીં, મોટી બહેન વીનસ સાથેની ડબલ્સ મેચમાં પણ તે રમી હતી. સ્પેનના વર્લ્ડ નંબર વન રાફેલ નડાલે સોમવારે ચોથા રાઉન્ડમાં જર્મનીના મેક્સિમિલાન માર્ટરરને ૬-૩, ૬-૨, ૭-૪થી હરાવીને ૩૨મો જન્મદિન આ જીત સાથે ઉજવ્યો હતો. માર્ટરરની વિશ્ર્વમાં ૭૦મી રેન્ક છે.