આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસ

સમગ્ર વિશ્ર્વ માટે પડકારરૂપ પ્રશ્ર્ન એવા પ્રદુષણને નાથવાના પ્રયાસમાં લોકફાળો મેળવવા સરકારના પ્રોત્સાહનો, વેસ્ટ મેનેજમેન્ટમાં નવી-નવી યુકિતઓ આપનારને ફંડ અપાશે

પાંચ જુનના દિનને વિશ્ર્વભરમાં પર્યાવરણ દિવસ તરીકે મનાવાય છે. જેમ રોજગારી, ગરીબી જેવા પાયાના પ્રશ્ર્નો પડકારરૂપ બન્યા છે તેના કરતા વધુ પડકારરૂપ પ્રશ્ર્ન પર્યાવરણની સુરક્ષાનો બન્યો છે. દિન-પ્રતિદિન વધુને વધુ ઘેરી બનતી પ્રદુષણની સમસ્યાને નિવારવા તાતી પગલા લેવાની આવશ્યકતા છે. આવતા પાંચ વર્ષમાં પ્રદુષણનું સ્તર ૫૦% સુધી ઘટાડવા સરકારે લક્ષ્યાંક સેવ્યો છે. આ લક્ષ્યાંકને પાર પાડવા લોકફાળો પણ જરૂરી છે. જેને લઈ સરકારે નવા પ્રોત્સાહનો આપવાનું નકકી કર્યું છે. જેમાં વેસ્ટ મેનેજમેન્ટમાં નવા-નવા આઈડિયા આપનાર લોકોને સરકાર ફંડ આપશે.

કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, અગાઉ કરેલા નિર્ધાર મુજબ આવતા ત્રણ વર્ષમાં પ્રદુષણ ૩૫% અને આવતા પાંચ વર્ષમાં ૫૦% પ્રદુષણ ઘટાડવા પ્રયત્નો હાથ ધરાશે. ડો.હર્ષવર્ધને વધુમાં જણાવતા કહ્યું કે, દેશની રાજધાની દિલ્હીમાં સૌથી ભયજનક સ્તરે પ્રદુષણ ફેલાય છે જે ચિંતાનો વિષય છે. રાજધાની દિલ્હીમાં ફેલાતા પ્રદુષણને ગંભીર રીતે ધ્યાને લઈ સરકારે પગલા ભર્યા છે અને તેના હકારાત્મક પરિણામો પણ આવ્યા છે. વર્ષ ૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૭માં દિલ્હીની હવા ઘણી શુઘ્ધ થઈ છે અને હજુ પણ હવા શુઘ્ધતામાં સુધારો કરવા સરકાર પ્રયત્નશીલ છે તેમ ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું.

તાજેતરમાં તમામ રાજયોના પર્યાવરણ મંત્રી સાથે એક કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પ્રદુષણને લઈ ઉંડાણપૂર્વકની ચર્ચા થઈ હતી. આ કોન્ફરન્સમાં નકકી કરાયું છે કે, વેસ્ટ મેનેજમેન્ટમાં નવી-નવી યુકિતઓ આપનારને સરકાર ફંડ આપશે. વધતા જતા પ્રદુષણને અટકાવવા વેસ્ટ મેનેજમેન્ટ પ્રોપર થવું અતિજરૂરી છે. આ માટે ડો.હર્ષવર્ધન કહ્યું કે સીપીસીબી લોન્ચ કરાયું છે કે જે મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ છે.

આ સિસ્ટમ ઈ-વેસ્ટને ટ્રેકીંગ કરી શકે છે. પર્યાવરણ સુરક્ષા અર્થે કેન્દ્ર સરકારની યોજનાને સફળ રીતે લાગુ કરવા તમામ રાજયોના મંત્રાલયો વચ્ચે સંકલન સધાશે અને તમામ નિયમોના સુચારુ પાલન માટે એક મોનીટરીંગ કમિટીની પણ રચના કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.