“આવી ખટપટોમાં સજ્જન અને નિષ્ઠાવાન અધિકારીઓને પણ છોડવામાં આવતા નથી
તે સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં બજાણા પોલીસ સ્ટેશન ઘણુ સારૂ મથક ગણાતું. ત્યાં ફોજદાર તરીકે એક નિષ્ઠાવાન અને ઉમદા વ્યકિતત્વ ધરાવતા ફોજદાર જાડેજા હતા. પોલીસ ખાતામાં અને ખાસ તો અધિકારી કક્ષાએ ખાસ કાન ભંભેરણી, વ્યકિતગત ગમો અણગમો અને એક બીજાના અહમ ટકરાતા હોય એક બીજાની ખટપટ ચાલુ જ હોય છે. જો કે જાડેજા આ તમામથી પર હતા. પરંતુ આવાજ કારણસર (ખટપટને કારણે) પોલીસ વડાએ જાડેજાને બજાણાથી બદલવાનું નકકી કરેલું જયારે બજાણા પોલીસ સ્ટેશન કોમી સંવેદનશીલ અને તેનો ક્રાઈમરેટ પણ ઘણો ઉંચો હતો. આથી આ પેગડામાં પગ નાખે તેવો ફોજદાર કોણ તે નકકી કરતા કરતા આખરે જયદેવ ઉપર પસંદગી ઉતારી.
એક દિવસ રાત્રીનાં સાડા નવેક વાગ્યે જયદેવને વરઘી મળી કે બે ત્રણ અંગત જવાનોને લઈ તાત્કાલીક સુરેન્દ્રનગર ખાતે પોલીસ વડાને મળવું જયદેવે મનમાં વિચાર્યું કે હળવદની માફક કયાંક રેઈડ કરી સાપ પકડવા જવાનું હશે એટલે કે જયાં કોઈ રેઈડ ન કરતું હોય તેવી વિચીત્ર જગ્યાએ રેઈડ કરવાની હશે તેમ માની વાળુ પાણી કરી બે જવાનોને લઈને તે સુરેન્દ્રનગર આવ્યો. પોલીસ વડા તેમના નિવાસ સ્થાને હતા તેથી જયદેવે સંત્રી મારફતે પોતે આવી ગયાનું કહેવરાવ્યું. સંત્રી તુરત અંદર જઈ પાછો આવ્યો અને કહ્યું કે તમને બંગલામા અંદર બોલાવે છે.
જયદેવ બંગલામાં જતા પોલીસ વડા સાથે જીલ્લા હરીજન સેલના પોલીસ ઈન્સ્પેકટર બેઠા હતા જેઓ અગાઉ સીપીઆઈ તરીકે ધ્રાંગધ્રા ફરજ બજાવતા હતા અને બજાણા થાણુ તેમના સુપરવીઝનમાં હતુ પરંતુ પાછળથી જાણવા મળેલુ કે તે વખતનો કાંઈક ફોજદાર જાડેજા સાથે વાંધો હતો. પરંતુ હરીજન સેલમાં તેમની નિમણુંક થયા પછી તેઓ નવા પોલીસ વડાના સલાહકાર બની ગયા હતા તેથી કાંઈક ખટપટ કરી હશે બાકી ફોજદાર જાડેજાને બજાણાથી બદલવાનું કોઈ કારણ ન હતુ.
જયદેવે પોલીસ વડાને સલામ કરી આી તેમણે જયદેવને બેસવા કહ્યું પોલીસ વડા પાસેની ટીપોઈ ઉપર એક ટાઈપ કરેલો બદલી હુકમ પડયો હતો જે જયદેવે ત્રાંસી આંખે જોઈ લીધું હરીજન સેલના પીઆઈ એ જયદેવને કહ્યું કે તમારી કાર્યદક્ષતાની કદર રૂપે તમને બજાણા ખાતે નિમણુંક આપવામાં આવે છે.તેથી જયદેવે કહ્યું કે હું તથા જાડેજા બંને ત્યાં રહેવાના ને? તેથી તેમણે કહ્યું બંને ને ત્યાં થોડા રખાય? આથી જયદેવને થયું કે કાંઈક ખટપટ લાગે છે.
આથી તેણે પોલીસ વડાને વિનંતી કરી કે સાહેબ જાડેજા સજજન અને કાર્યદક્ષ અધિકારી છે વળી એક જ્ઞાતીના તો ઠીક પણ દૂરદૂરના સગા પણ થતા હોય જો હું આ હુકમથી તેમને બદલાવું તો તેમના મનમાં મારા પ્રત્યે કદાચ કાયમી ધોરણે એવી છાપ રહે કે મેં તેમને બદલાવેલા આથી જો મને બદલવો હોયતો જીલ્લામાં બીજે ગમે ત્યાં બદલો પણ બજાણા રહેવા દયો’ પોલીસ વડાએ જયદેવને કહ્યું કે ‘આ તો તમે લક્ષ્મી ચાંદલો કરવા આવે અને મોઢૂ ધોવા જાવ તેવું કરો છો દરેક ફોજદાર બજાણા જવા તલપાપડ હાય છે’ જયદેવે કહ્યું સાહેબ તમારી વાત સાવ સાચી પણ આ નીષ્ઠાવાન અને સજજન અધિકારીને બદલીને મને મનમાં હંમેશા રંજ રહેશે અને મજા નહી આવે.’ થોડીવાર કોઈ બોલ્યું નહી પછી પોલીસ વડાએ કહ્યું ભલે કાંઈ વાંધો નહી તમારી ઈચ્છા’ કહી ટાઈપ કરેલો બદલી હુકમ ટીપોઈ ઉપરથી લઈ બાજુમાં મૂકી દીધો રાત્રીનાં બાર વાગ્યે જયદેવ સુરેન્દ્રનગરથી મુળી જવા રવાના થયો રસ્તામાં વિચારતો હતો કે હવે પોતાની પણ બદલી નકકી છે કયારે થાય તે જોવાનું છે.
આ લલચામણી બજાણાની દરખાસ્ત નહી સ્વીકારી તે વ્યવહારીક અને સામાજીક રીતે સારૂ જ કર્યું છે કેમકે આ મુદો પોલીસ બેડામાં તો ઠીક પરંતુ સમગ્ર જિલ્લામા પણ ચર્ચાના ત્રાજવે તોળાવાનો હતો. જો તેણે બજાણાનો હુકમ લઈ લીધો હોત તો લોકો તો કહેવાના જ હતા કે જયદેવે કાંઈક ખટપટ કરી હશે નહી તો જાડેજાને વગર કારણે કેમ બદલે? પરંતુ જયદેવે આ આક્ષેપની નોબત આવવા દીધી નહી.
વધારીને મોટી ફરિયાદ કરવાની મનોવૃત્તિ સામાન્ય રીતે સમાજમાં જયારે બે પક્ષો વચ્ચે તકરાર થાય અને મારામારી થાય પછી પક્ષકારો પોલીસ સ્ટેશનમાં આવે તે પહેલા ધંધાદારી રાજકારણીઓ તેમની પાસે ચડી જાય તો વધારીને જ ફરિયાદ કરતા હોય છે. ઘણી વખત જ્ઞાતી આધારીત ગુન્હા જેગંભીર સેશન્સ ટ્રાયલ હોય છે તેવો બનાવ ખરેખર ન બન્યો હોય વ્યવહારીક લેતીદેતીનો મામલો હોવા છતાં વધારીને પોલીસ પાસે જાહેર કરવામાં આવે છે કે પોતે અમુક જ્ઞાતીના હોવાથી તે અંગે બીભત્સ બોલી હડધૂત કર્યા. તો કયારેક બંને એક સરખી કોમ હોય તો ત્યારે ગુન્હો ગંભીર નોંધાય, સામો પક્ષ જેલમાં તો જાય પણ પોલીસ રીમાન્ડ માગે અને અદાલતમાં સામે વાળાને જામીન ન મળે તેમાટે આવા ગતકડા કરતા હોય છે તે સામાન્ય બાબત બની ગઈ છે.
પોલીસને પણ કોઠે પડી ગયું છે. કે મારામારીના ગુન્હામાં સોનાનો ચેન લૂંટી ગયા તે ખોટુ કારણ કોમન હોય છે. જો એફ.આઈ. આર. દાકલ થઈ ગયા પછી બંને પક્ષો વચ્ચે સમાધાન થાય તો તેઓ વધુમાં લખાવે કે મારામારીમાં સોનાનો ચેન પડી ગયેલો તે મળી ગયો છે વિગેરે પરંતુ મુળી ફોજદાર જયદેવને સ્વપ્ને પણ ખ્યાલ ન આવે તેવો અનુભવ થયો.
એક દિવસ સવારના નવ વાગ્યે ફોજદાર જયદેવ પોલીસ સ્ટેશન ચેમ્બરમાં બેઠો હતો. ચેમ્બરનાં દરવાજા સામે જ જાહેર રસ્તા ઉપરથી પોલીસ સ્ટેશનનાં ફળીયામાં દાખલ થવાનો ઝાંપો હતો. ત્યાંથી એક ગામડાની ગરીબ સ્ત્રી લોહી લુહાણ હાલતમાં કાંખમાં બાળક સાથે દોડી આવી બાળકને ઓંસરીની ધાર ઉપર બેસાડી વિવિધ પ્રકારના આલાપ કાઢી કુટતી કુટતી રડવા લાગી. પી.એસ.ઓ.એ તેને શું થયું તે વાત કહેવા જણાવતા જ તેણી જમીન ઉપર પડીને આળોટવા લાગી. ત્રુટક ત્રુટક વાતોથી એટલું જાણવા મળ્યું કે પલાસા ગામે વાઘરી કુટુંબોમાં અંદરો અંદર મારા મારી થઈ છે. આથી હોંશીયાર જયુભાએ વાતની નાખણી કરી કે ‘ઉભી થા તારી ફરિયાદ ભારે ભારે કલમો વાળીને સામા પક્ષ પહેલા લખી લઈ એ’ આથી તે બેઠી તો થઈ પરંતુ કુટવાનું અને રડવાનું ચાલુ રાખ્યું તે રડતી રડતી બોલતી હતી કે ‘સાત સાત લાશોને ઢાળી દીધી બાપ મારી નાખ્યા. ફળિયું ઉજજડ કરી નાખ્યું!’ આ સાંભળી જયદેવ અકેદમ ચોંકી ઉઠ્યો કે એક સાથે સાત સાત ખૂન? તો તો ખેગાળો થઈગયો કહેવાય. આ સાંભળીને હાજર તમામ પોલીસ સ્ટાફ પણ સજજડ થઈ ગયો. આથી જયદેવે વધારેમાં વધારે જવાનોને સાથે લઈ પલાસા જવાનું આયોજન કર્યું
આ દરમ્યાન જ મુળી સરકારી હોસ્પિટલમાંથી કંપાઉન્ડર બાલુભાનો ફોન આવ્યો કે પલાસા ગામની એમ.એલ.સી.છે આ એમ.એલ.સી. એટલે મેડીકો લીગલ કેસ કે જે અંગે પોલીસ ફોજદારી કાર્યવાહી કરવાની હોય છે. હોસ્પિટલમાં ત્રણ જણા ગંભીર રીતે ઘાયલ પડયા હતા. આથી જયદેવને થયું કે મધ્યયુગમાં થતા પાયદળ યુધ્ધની જેમ સામસામે હાથોહાથનું યુધ્ધ થયું લાગે છે. આ દરમ્યાન જ દૂરથી પોલીસ સ્ટેશન તરફ બે જણા લોહીલોહાણ હાલતમાં દોડતા આવતા દેખાયા તે જોઈને ફરિયાદી સ્ત્રી બોલી ઉઠી ‘જુઓ સાહેબ બે લાશો આ આવી ! અને બાકીની રીક્ષા છકડામાં આવે છે. જયદેવને થયું કે વ્યવહારમાં જેમ શબ્દો વપરાય છે કે ‘મારી મારીને લોથ કરી દીધા’ તે પ્રમાણે આ સ્ત્રી લાશો ઢાળી દીધી તેવું જણાવતી હશે!તેથી થોડી શાંતી થઈ. દરમ્યાન બીજા લોકો પણ આવી ગયા, તેમનાથી જાણવા મળ્યું કે કોઈ મર્યું નહતુ પરંતુ આ સ્ત્રીએ પોતાની ભાષામાં યુકિત પૂર્વક સાત સાત લાશો ઢળી જવાની વાત કરી પોલીસની ઉંધ ઉડાડી દીધી હતી.
જુગુપ્સા જનક મનોવૃત્તી:
એક દિવસ ફોજદાર જયદેવ સાયકલ લઈને સરા ગામે ગયો હતો. સાથે રાયટર જયુભા હતા અને કામ પતાવીને મુળી પાછા આવતા હતા. વેલાળા ગામ પસાર કરીને સડલા તરફ જઈ રહ્યા હતા વગડામાં સીધો રસ્તો હતો. બંને ગામની વચ્ચે હોઈશું ત્યાં સાંજના સાડા છ વાગી ગયા હતા. સુર્ય પશ્ર્ચિમ દિશામાં છેક ક્ષીતિ જ ઉપર પહોચી ગયો હતો. પક્ષીઓ કલરવ કરતા ઉડીને પોતાના માળા તરફ જઈ રહ્યા હતા. જયદેવ કુદરતનો આ સુંદર નજારો જોતો જોતો મોટર સાયકલ ચલાવ્યે જતો હતો.
દરમ્યાન રસ્તા ઉપર એક યુવાન કે જેનો ચહેરો રડમસ અને ગભરાયેલો હતો. તેણે હાથ ઉંચો કરી મોટર સાયકલ ઉભુ રાખવા ઈશારો કર્યો. જયદેવે મોટર સાયકલ ઉભુ રાખ્યું તેણે યુનીફોર્મમાં પોલીસને જોઈને રાહત થઈ હોય તેમ લાગ્યું તેણે કહ્યું સાહેબ પાછળ જ મારી વાડી છે ત્યાં હું વાડીપડામાં કામ કરતો હતો અને કુવાની ઓરડી ઉપર મારી પત્ની હતી. કામપૂ કરીને હું વાડી પડામાંથી ઓરડી તરફ આવતા ઓરડી પાછળ આવેલ વડલાના ઝાડની ડાળીએ દોરડાથી લટકીને આત્મહત્યા કરી લીધી છે. જયદેવે તેને પુછયું કે લગ્ન કર્યે કેટલો સમય થયો તો તેને કહ્યું ચાર વર્ષ અને કોઈ સંતાન નથી જયદેવે વિચારી લીધું કે આ એડી (અકસ્માત મોત)નો બનાવ ડીવાયએસપીના વીજીટેશનનો છે આથી ત્રણે જણા બનાવવાળી જગ્યાએ આવ્યા.
વાડીમાં કુવાની આજુબાજુ ઝાડવાઓ હતા પણ ઓરડી પાછળનો વડલો ઘેઘુર વડવાઈઓ વાળો વિશાળ હતો આ વડલાની એક નીચી ડાળી ઉપર એક સ્ત્રીની લાશ લટકતી હતી. આદ્રશ્ય ખૂબ વિચિત્ર હતુ અને બિહામણું પણ હતુ કેમકે આખરે માનવ લાશ હતી ને ! આ સ્ત્રીએ ફકત ચણીયો અને બ્લાઉઝ પહેર્યા હતા. માથાના વાળ છૂટ્ટા વિખરાયેલા હતા. મોઢામાંથી જીભ બહાર આવી ગઈ હતી. અને આંખના ડોળા ભયંકર રીતે પહોળા થઈ ગયા હતા. આ દ્રશ્ય અને ઢળતી સાંજ ગભીર માહોલ બનાવતું હતુ આ એ.ડી. વિજીટેશનનો બનાવ હોઈતેથી ઈન્કવેસ્ટ પંચનામા માટે મામલતદારને રીપોર્ટ મોકલી બોલાવવા જરૂરી હતા. વળી મરણોતર ફોર્મ વિગેરે કાગળોની પણ જરૂરત હતી. અને સરકારી જીપ સર્વીસમાંથી આવી ગઈ હોય તો તેને લાવવાની પણ હતી. આથી જયુભાએ કહ્યું સાહેબ હું મોટર સાયકલ લઈને મુળી જઈ તુર્ત જ તમામ કામ પતાવીને પાછો આવું છું જો જીપ નહી આવી હોયતો બાજુ કાંઈક વાહન લેતો આવું છું આથી જયદેવે જયુભાને રવાના કર્યા. આવામાં સુર્યાસ્ત થઈ ગયો હતો અને અંધકારનાં ઓળા ઉતરવા લાગ્યા હતા પેલા પુરૂષ કહ્યુંં સાહેબ હું ગામમાં જાણ કરીને બીજા લોકોને તેડતો આવું, જયદેવે કહ્યું ભલે જલ્દી કરજે.
હવે બનાવ વાળી જગ્યાએ ઘેરા થતા અંધારા વચ્ચે ઘેઘુર ઝાડી અને વખંભર વડલા ઉપર લટકતી લાશ વચ્ચે જયદેવ એકલો બાકી રહ્યો હતો. માળામાં પહોચી ગયેલા પક્ષીઓ નો કોઈ અવાજ આવતો ન હતો. સુમસામ માહોલમાં હવાની એક લેરખી આવી અને લટકતી લાશ હવામાં ડોલવા લાગી, જીભ બહાર ફાટેલી આંખો અને હવામાં ઉડતા વાળ જાણે કે કોઈ હોરર ફિલ્મનું દ્રશ્ય હોય તેમ લાગતુ હતુ. તેવામાં ઝાડીમાંથી ચીબરી (ભેરો)નો ચીચીયારી નાખતો અવાજ આવ્યો અને સાથે જ બાજુના સુમસામ ખેતર સીમમાંથી ચાંઉ ચાંઉ નાખતી શિયાળની લાળી સંભળાવા લાગી મકકમ મનોબળ વાળા જયદેવના પણ આ માહોલમાં ruam ઉભા થઈ ગયા જયદેવને થયું કે આ હોરર શોમાં આ મ્યુઝીકની ખામી હતી તે પણ પુરી થઈ. આથી જયદેવે નજર ફેરવી લીધી.
એ ગમે તે કારણ હોય સીમ વગડે રાત્રીના સમયે લાશ પડી હોય એટલે ચીયાળ્યા ગમે ત્યાંથી એકઠા થઈ જાય. જો લાશ રેઢી હોયતો મહેફીલ શરૂ થાય અને જો બીજી વ્યકિત હાજર હોય તો લાંબી લાંબી લાળીઓ કરી આવેલો શીકાર ગયો તેનો શોક મનાવતા હોય તેવું રૂદન કરી વાતાવરણને વધારે ગંભીર અને જુગુપ્સા જનક બનાવતા હોય છે. આવા સંજોગોમાં એકાંતમાં રહેલી વ્યક્તિ ભલે ગમે તેટલી દ્દઢ મનોબળ વાળી હોય પણ મનમાં જુગુપ્સા તો ઉદભવે જ!