વિધાનસભા ગૃહમાં પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવાને બદલે કોંગ્રેસે ગાળાગાળી, મારામારી કરીને લોકશાહીને કલંક લાગે તેવા કૃત્યો કર્યા છે
ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસના વિપક્ષના નેતાના વિધાનસભા સત્ર બોલાવવા માટેની માંગણી સામે પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે. ગયા સત્રમાં વિધાનસભા ગૃહમાં પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવાને બદલે સતત હંગામો, ગાળાગાળી, મારામારી કરીને લોકશાહીને કલંક લગાડે તેવા કૃત્યો કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં કર્યા છે અને તેના દ્રશ્યો ગુજરાતની જનતાએ ટીવીના માધ્યમથી જોયા છે. કોંગ્રેસને પ્રજાના પ્રશ્ર્નો અને તેના સમાધાનમાં રસ નથી. માત્રને માત્ર વર્ગવિગ્રહ અને અરાજકતા ફેલાવવામાં રસ છે. કોંગ્રેસને કયારેય પ્રજાની વચ્ચે જવું નથી. વિધાનસભા કે લોકસભા ચાલુ હોય ત્યારે કોંગ્રેસને પ્રજાના પ્રશ્ર્નો ગૃહમાં પુછવા નથી અને સરકારની પ્રજાહિતની યોજનાઓની માહિતી આપવા દેવી નથી. લોકસભામાં પણ સતત તોફાનો કરીને સંસદને ઠપ્પ કરી કોંગ્રેસે લોકશાહીને શરમાવે તેવા કૃત્યો કરીને પ્રજાના કરોડો રૂપિયા બરબાદ કર્યા હતા. હવે વિધાનસભાનું વિશેષ સત્ર કયા મોઢે બોલાવવાની માંગણી કરે છે.
પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ કયારેય પ્રજા પાસે જતી નથી અને કોઈપણ સેવા કાર્યો કરવાને બદલે માત્ર નડતરની ભૂમિકા ભજવે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ભાજપ સરકાર દ્વારા દેશનું સૌથી મોટું અને લાંબુ જળસંગ્રહ અભિયાન સતત એક મહિનો ચાલ્યું તેમાં સરકાર, ધાર્મિક-સામાજીક સંસ્થાઓ અને લોકો દ્વારા જનભાગીદારીથી ઐતિહાસિક રીતે સફળ થયું. આવા ધોમધખતા તાપમાં પણ લોકો અને ભાજપના કાર્યકર્તાઓ આ સુજલામ-સુફલામ જળ અભિયાનમાં જોડાયા પરંતુ કોંગ્રેસનો કોઈપણ નેતા આવા પ્રજાના અતિ મહત્વના સેવા કાર્યમાં જોડાયા નહીં અને માત્ર જુઠા આક્ષેપો દ્વારા નડવાના જ પ્રયાસો કર્યા એટલે ગુજરાતની જનતા કોંગ્રેસના આ નકારાત્મક સ્વરૂપને જાણી ચુકી છે. તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.