મિલકતોના દસ્તાવેજો મેળવી, સહી કરાવી બેંકોમાં મોર્ગેજ કરી કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ
સૌરાષ્ટ્રના અનેક જીનર્સ અને બેંકોને કરોડો રૂપિયાનો ધુંબો મારી લીલાલહેર કર્યા હોવાના કીત પ્રકરણમાં ભદ્રેશ ટ્રેડીંગના માલીક ભદ્રેશ મહેતા ઉપર એટીએસનો ગાળીયો કસાયો છે. હાલ સૌરાષ્ટ્રના જીનર્સની કઠણાઈ પાછળ ભદ્રેશ ટ્રેડીંગનું ગતકડુ કારણભૂત હોવાનું કહેવાય છે. ભદ્રેશ ટ્રેડીંગના મહાઠગ માલીકે સૌરાષ્ટ્રના જીનર્સની ઐસી કી તૈસી કરી નાખી હોવાની વાત પણ પ્રકાશમાં આવી છે.
અન્યની મિલકતો ચાલાકીપૂર્વક મોર્ગેજ તરીકે મુકનાર મુંબઈના ભદ્રેશ મહેતાની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. ભદ્રેશ મહેતાએ રાજકોટની એસબીઆઈની કોમર્શીયલ બ્રાન્ચની આગેવાની ધરાવતી ૧૧ બેંકોની કોન્સોર્ટીયમ પાસેથી લીધેલી જંગી રકમની લોન ભરપાઈ કરી નથી અને આ તમામ લોન ૨૦૧૬માં એનપીએ થઈ ગઈ છે અને બેંકો દ્વારા તેને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો છે.
મુંબઈની ભદ્રેશ એગ્રો વેન્ચર લી.ના માલીક ભદ્રેશ મહેતા આંણી ટોળકીએ સામાન્ય લોકોને ૧ ટકાના વ્યાજે કરોડો રૂપિયાની લોન આપવાની લાલચ આપતા હતા. જો કોઈ વ્યક્તિ ફસાઈ જાય ત્યારે તેની મિલકતના દસ્તાવેજો મેળવી બેંકમાં મોર્ગેજ કરી દેતા હતા. મુંબઈ સ્તિ ભદ્રેશ મહેતાએ કચ્છના અનેક વિસ્તારોમાં જમીનમાં ગેરંટર તરીકે રહી અને તે જમીનના મોટા વેલ્યુએશન કરી કચ્છની બેંકોમાંથી પણ અબજો રૂપિયાની લોન લીધી હોવાનું માનવામાં આવે છે. તેની તપાસમાં પણ અબજો રૂપિયાનું કૌભાંડ ખુલે તેમ છે.
ભદ્રેશ મહેતાના મુદ્દે હવે આગળની તપાસ ગુજરાત સીઆઈડી ક્રાઈમ ચલાવશે. હાલ તો બેંકમાંથી લોન મેળવવા માટે અન્યની મિલકતો મોર્ગેજ મુકવાના આ કૌભાંડમાં ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વિવિધ બેંકો પાસેથી રૂ.૧૪૫૦ કરોડની લોન લીધા બાદ ધુંબો મારી દેનાર ભદ્રેશ મહેતાના કેસમાં નવા ખુલાસા થઈ શકે છે.