ગીર સોમનાથ જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ શ્રી સોમનાથ મંદીરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં આ મંદીરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની ભૌગોલીક પરિસ્થીતીથી અજાણ હોય, સમુદ્રમાં નાહવા જતા ડુબી જવાના બનાવો બનવા પામેલ છે. આ સમુદ્રનો કિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાઇ પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં બહુજ મોટા વજનદાર ખડકાળ પત્થરો છે.
જેથી સમુદ્રમાં નહાવા પડતા તેમજ પગ બોળતા દર્શનાથી સહેલાઇથી બહાર આવી શકતા નથી તથા આ વિસ્તારમાં આવતા સમુદ્રના મોજાઓ વાંકાચુંકા તેમજ ઘાતક હોય છે. હાલમાં આ જગ્યાએ નવી ચોપાટી બનાવવાનું કામ શરૂ થયેલ છે. તથા મોટા પત્થરના કારણે કોઇપણ વ્યકીત તેના ઉપરથી લપસી સમુદ્રમાં ડુબી જાય તેવી શક્યતાઓ રહે છે. અમુક કિસ્સામાં અમુક વ્યકિતઓ પોતે આ પવિત્ર યાત્રાધામના દર્શન કરી પોતાના આત્માને મોક્ષ મળશે તેવા વિચાર ધરાવી સમુદ્રમાં પડી આત્મહત્યા કરે છે. છેલ્લા ૧૦ વર્ષમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તથા સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે આવા ઘણા બનાવો નોંધાયેલ છે.
આવા બનાવો બનતા અટકાવવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.આર.મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનીયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફથી અરબી સમુદ્રમાં, સોમનાથ મંદિરની પૂર્વ-પશ્ચિમ બન્ને સાઇડના આશરે ૪ કીલોમિટરનાં વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઇપણ વ્યક્તિએ સમુદ્રમાં નહાવા, પગ બોળવા જવુ નહીં કે સમુદ્રના ઉંડા પાણીમાં પ્રવેશ કરવો નહીં. આ આદેશ તા. ૦૫-૦૬-૧૮ થી દિવસ-૬૦ સુધી અમલમાં રહેશે.
આ આદેશ સરકારી ફરજમાં હોય તેઓને લાગુ પડશે નહીં. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબીત થયે દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.