મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનના બાકી રહેલા કામ ૮મી જૂન સુધીમાં પૂર્ણ કરાશે.
પાણી હશે તો જ વિકાસ થશે – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
જળ એ જીવન છે આ ઉક્તિ ગુજરાતે સાચા અર્થમાં સાકાર કરી છે. પાણી વિકાસની પારાશીશી પણ છે અને આધાર પણ છે ત્યારે રાજ્યનો વિકાસ હવે બમણા વેગથી થવાનો છે. જળસંચયના આ અભિયાનથી રાજ્યમાં જળસ્તર ઉંચા આવશે અને તેનો સીધો લાભ પ્રજાને અને જીવસૃષ્ટિને મળશે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનના સમાપન પ્રસંગે સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યની પ્રજાએ તળાવો ઊંડા કરવા જનભાગીદારી સ્વરૂપે નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે. લાખો ઘનફુટ માટી ખોદીને ૧૧ હજાર લાખ ઘનફુટ જળસંગ્રહની ક્ષમતા ઉભી કરવાની છે. આ માટી ખેતરોમાં-પાળાઓ ઉપર નાંખી છે તેથી પાણી બચવાની સાથે ખેત ઉત્પાદન પણ વધવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું.
જળસંગ્રહ માટે ગુજરાત એક લીડર બન્યું છે. દેશનું સૌથી મોટું અભિયાન ગુજરાતે ઉપાડ્યું છે. આ અભિયાનમાં સંસ્થાઓ-દાતાઓ જોડાયા છે તે સ્વયં એક સિધ્ધિ છે. રાજ્યમાં ૫૫૦૦ કિમી. કેનાલોની સફાઇ કરાઇ છે. અમદાવાદની ખારીકટ કેનાલ પણ આજે સ્વચ્છતાનું પ્રતિક બની છે એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યમાં હાથ ધરાયેલા આ પવિત્ર અભિયાનનો વિરોધ કરનારાઓનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો વિરોધ કરવાની માનસિકતાથી પીડાય છે. ધડ માથા વિનાનાં નિવદેનો કરીને કોંગ્રેસ સ્વયં લોકનજરમાંથી ઉતરી ગઇ છે. જળસંચયમાં રૂા. ૨૦૦ કરોડના કામો સામે રૂ. ૨૪૦૦ કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ કરે તે જ પુરવાર કરે છે કે તેમાં કોઇ તથ્ય નથી. કોંગ્રેસને સપનામાં પણ કૌભાંડો આવે છે ત્યારે રાજ્યની ભાજપ સરકારે સાચા અર્થમાં જનભાગીદારીને જોડીને જનહિતનું કામ કર્યું છે.
મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બનાસકાંઠામાં મફત ઘાસ આપ્યું ત્યારે ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કોંગ્રેસે કર્યો પણ છેલ્લા ૩ વર્ષથી એક ઘાસનું તણખલું પણ સરકારે ખરીદ્યુ નથી તો તેમાં ભ્રષ્ટાચારની વાત જ વાહીયાત છે. આ ચૂંટણીલક્ષી અભિયાન નથી પણ જનહિતનું અભિયાન છે એમ તેમણે ઉમેર્યું હતું.
ભવિષ્યની પેઢી પર દુષ્કાળનો ઓછાયો પણ ના પડે તેનું અભિયાન ગુજરાત સરકારે જળસંચયના માધ્યમથી હાથ ધર્યું હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાન શરૂ કર્યું ત્યારે ૫૨૭ જેસીબી. મશીન હતા આજે ૪૬૦૦ જેસીબી મશીન જોડાયા છે. ૨૦૦૦ ટ્રેકટર -ડમ્પર વધીને ૧૬૦૦૦ થયા છે. ૨૭૦૦૦ શ્રમિકોની શરૂઆત આજે ૩ લાખ શ્રમિકો સુધી પહોંચી છે.
આ સાથે અત્રે ‘૧૦૮ નર્મદા જળ કળશ’ પૂજનવિધિમાં મુખ્ય મંત્રીશ્રીએ સહભાગી થઇ પૂજન અર્ચન કર્યા હતા.
ધંધુકાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, ‘દીકરીને બંદૂકે દેવી પણ ધંધુકે ન દેવી’ એ કહેવતમાં બદલાવ લાવવાનું સામર્થ્ય રાજ્ય સરકારે પુરવાર કર્યું છે. આજે ધંધુકામાં દીકરી પરણાવી શકાય તેવું વાતાવરણ નિર્માણ કર્યું છે. જિલ્લામાં જળસંચય માટે રૂ. ૬ કરોડનું કામ થયું છે તે સંપૂર્ણપણે જનભાગીદારીથી કર્યું છે. આમા રાજ્ય સરકારે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કર્યો એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત ભાજપાના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ગુજરાતે જળસંગ્રહનું ઉપાડેલું આ મહાઅભિયાન ખરેખર પ્રશંસનીય છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સુશાસનની રાજનીતિનો મંત્ર આપ્યો છે. પ્રાકૃતિક સાધનોનો સમૂચિત ઉપયોગ કરી વિકાસની પ્રક્રિયા આગળ ધપાવી છે તે અભિનંદનીય છે. જળસંચયનું અભિયાન આજે પૂર્ણ નથી થયું પરંતુ શરૂ થયું છે. ચોમાસુ દસ્તક દઇ રહ્યું છે ત્યારે તેના અસરકારક પરિણામો મળશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને તેમની ટીમના પ્રયાસોમાં જનભાગીદારી જોડાઇ છે તે જળસંચયના નવા સિમાચિહ્નો પ્રસ્થાપિત કરશે એમ તમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમના સ્થળે ઉભા કરાયેલા ‘ સુજલામ્ સુફલામ્ જળઅભિયાન’ પ્રદર્શનને ખુલ્લું મુકી ઝીણવટપૂર્વક નિહાળ્યું હતું. પ્રદર્શનમાં મુકાયેલી તસવીરોને પણ મુખ્યમંત્રીશ્રીએ રસપૂર્વક નિહાળી હતી. ગુજરાત ભાજપાના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ પણ તેમની સાથે જોડાયા હતા.
આ પ્રસંગે ગામ તળાવ ઊંડા કરવાના કામગીરીમાં જોડાયેલા સરપંચશ્રીઓએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. ટેકાના ભાવે ચણાની ખરીદીના નિર્ણયને આવકારતાં ખેડૂત મંડળોએ મુખ્ય મંત્રીશ્રીનું ચણાના હારથી સ્વાગત કર્યું હતું
મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુએ આશિર્વચનમાં રાજ્ય સરકારના જળસંચય અભિયાનને બિરદાવ્યું હતું.
અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી વિક્રાંત પાંડેએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, લક્ષ્યાંક કરતાં વધુ જળસંચયના કામો જિલ્લામાં કરાયા છે. ૨૦ લાખ ઘન મીટર માટી ખોદાઇ છે અને ૧.૨૫ લાખ માનવદિન રોજગારીનું નિર્માણ કરાયું છે. જિલ્લામાં હાથ ધરાયેલા કામોથી જિલ્લાની જળસંગ્રહ શક્તિ વધશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી દેવજીભાઇ ફેતુપરા, ધારાસભ્ય શ્રી બાબુભાઇ જ. પટેલ, શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ભાજપાના અગ્રણી શ્રી ભરતભાઇ પંડ્યા, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી આર.સી.પટેલ, જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી સુનયના તોમર, અન્ય ઉચ્ચ અધિકારીઓ, પદાધિકરીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.