રૂ.૨ લાખનું વ્યાજ વસુલ કરવા અપહરણ કરી વાડીએ ગોંધી રખાયા બાદ બીજા દિવસે છ શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ
શહેરમાં વ્યાજના ધંધાર્થીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરતી હોવા છતાં ધાક ધમકી દઇ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજના ધંધાર્થીઓ વધુને વધુ બેફામ બની રહ્યા હોય તેમ કોઠારિયા રોડ પર સહકાર મેઇન રોડ પરની સાધના સોસાયટીમાં કારખાનેદાર પાસેથી વ્યાજની વસુલાત કરવા છ શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાધના સોસાયટીમાં રહેતા અને અટિકા વિસ્તારમાં બેરીંગનું કારખાનું ધરાવતા રાજેશભાઇ રવજીભાઇ સતાણી નામના પટેલ યુવાને અંકિત શીયાણી, દોલતસિંહ સોલંકી, યોગીભાઇ, મહેશ શીયાણી, ચેતન ચૌહાણ અને ચેતન સોલંકી નામના શખ્સો સામે અપહરણ કરી ગોંધી રાખી ધાક ધમકી દીધા બાદ બીજા દિવસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજેશભાઇ સતાણીને ધંધામાં પૈસાની જ‚ર પડતા તેઓએ મહેશ શીયાણી અને અંકિત શીયાણી પાસેથી ત્રણેક વર્ષ પહેલાં ‚ા.૨ લાખ વ્યાજે લીધા હતા તે પેટે બંને શખ્સોને અત્યાર સુધીમાં ‚ા.૧.૪૦ લાખ ચુકવી દીધા હોવા છતાં બંને શખ્સો ‚ા.૨.૬૮ લાખની ઉઘરાણી કરી રહ્યા હતા.
રાજેશ સતાણીના મિત્ર દર્શન સખીયાની કોઠારિયા ગામે આવેલી વાડીએ જમવાનો પોગ્રામ રાખ્યો હોવાથી રવિવારે રાજેશભાઇ સતાણી પોતાના મિત્ર દર્શન સખીયાની વાડીએ જમવા માટે ગયા ત્યારે ત્યાં અંકિત શીયાણી, મહેશ શીયાણી સહિતના છ શખ્સો પણ જમવા આવ્યા હતા ત્યારે પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી દઇ રાજેશ સતાણીને જી.જે.૦૩એફકે. ૩૬૭૨ નંબરની ડસ્ટરકારમાં અપહરણ કરી ભાવનગર રોડ પર અજાણ્યા શખ્સની વાડીએ લઇ જઇ અંકિત શીયાણી અને યોગીભાઇએ પાઇપથી માર મારી કોઠારિયા રોડ પર પર હુડકો પોલીસ ચોકી પાસે મુકી તમામ શખ્સો ભાગી ગયા હતા.
બુધવારે ફરી તમામ શખ્સો એક્ટિવા પર રાતે ઘસી આવ્યા હતા અને અંકિત શીયાણી અને દોલતસિંહ નામના શખ્સોએ મકાન પર બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે.ગઢવી અને રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે તમામ શખ્સો સામે હત્યાની કોશિષ, અપહરણ અને વ્યાજની બળજબરીથી ઉઘરાણી કર્યા અંગેનો ગુનો નોંધી વ્યાજખોરોની શોધખોળ હાથધરી છે.