પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓ સાથે બેંક કર્મીઓનો મોરચો
માત્ર બે ટકાનો પગાર વધારો અપાતા કર્મચારીઓમાં રોષ
દેશભરમાં આજરોજથી બે દિવસની બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. બેંક કર્મચારીઓની પગાર વધારા સહિતની જુદી જુદી માંગણી અંગે કેન્દ્ર સરકાર અને ઈન્ડિયન બેંક એસોસીએશનની મંત્રણાઓનો એકાદ વર્ષથી કોઈ નિર્ણય આવતો ન હોવાથી આજે અને આવતીકાલે દેશભરનાં કર્મચારીઓએ હડતાલ પાડી છે. આ હડતાલનાં કારણે કરોડોના વ્યવહાર ઠપ્પ થઈ જશે.
ઈન્ડિયન બેંક એસો.ને પાંચમી મેએ જુદી-જુદી બેંકોના કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે યોજેલી બેઠકમાં બેંકોની આર્થિક સ્થિતિ નબળી હોવાનું કારણ આગળ ધરીને માત્ર બે ટકા પગાર વધારો આપવાની તૈયારી બતાવેલ પરંતુ કર્મચારીઓને માન્ય નથી તેથી આજે અને આવતીકાલે બે દિવસ હડતાલ પાડવાનો બેંક કર્મચારીઓએ નિર્ણય કર્યો છે.
ભારત સરકારના ચીફ લેબર ઓફિસરે સ્ટ્રાઈક-હડતાલના એલાન પછી આ મુદ્દે બેંક કર્મચારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી પરંતુ આ ચર્ચા ફળદાયી સાબિત થઈ નહોતી. આ બેઠકમાં ઈન્ડિયન બેંક એસો.ના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. કર્મચારીઓનું કહેવું છે કે બેંક કર્મચારીઓને છેલ્લે ૧પ ટકાનો પગાર વધારો આપવામાં આવ્યો હતો. બીજું ૨૦૧૬-૧૭ના વર્ષમાં રાષ્ટ્રીયકૃત બેંકોનો કુલ નફો રૃા.૧,૫૯,૦૦૦ કરોડનો રહ્યો છે તેની સામે બેંક લોન એનપીએ થઈ હોવાથી જોગવાઈ કરવામાં જ નફાની રકમ વપરાઈ હોવાથી નફો ઘટયો છે. બેંકના નફાને એનપીએ સામે એડજસ્ટ કરી લઈને બેંકનો નફો ઓછો થયો હોવાનો આભાસ ઉભો કરવામાં આવી રહ્યો છે.
કર્મચારીઓને પગાર વધારાથી વંચિત રાખવા માટે આ કારણ આપવું તે ઉચિત નથી તેમજ વર્ગ-૧ થી ૩ ના કર્મચારીઓને જ માત્ર પગાર વધારાનો લાભ આપવો તે ઉચિત નથી. લેબર કમિશ્નરે કર્મચારીઓને સાંભળ્યા પછી તેમની માગણીઓને મુદ્દે નવેસરથી વિચાર કરવા ઈન્ડિયન બેન્કીંગ એસોસિએશનને જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બેંક કર્મચારીઓનો વેતન વધારો તા.૧-૧૧-૨૦૧૭થી ચડત છે. કર્મચારીઓની પગાર વધારાની માગણી અન્વયે બે ટકા વધારો સ્વીકારવા તૈયારી દર્શાવાઈ હતી, પરંતુ કર્મચારી યુનિયનને આ દરખાસ્ત મંજૂર નથી.
દરેક બેંક નફો કરે છે, પરંતુ ખરાબ ધિરાણ અને જોગવાઈ આ નફો ખાય જાય છે અને બેંકને ખોટમાં દર્શાવવામાં આવે છે જેને યુનિયન દ્વારા ગેરવ્યાજબી ગણાવાઈ છે. યુનિયન એ એવી પણ માગણી કરી છે કે યોગ્ય પગાર વધારો અને અધિકારી વર્ગનું સમાધાન પણ સામે કરો, પરંતુ તે પણ માન્ય રાખવામાં આવ્યું નથી. આથી આજે અને કાલે એમ બે દિવસ બેંક કર્મચારીઓ હડતાલ ઉપર જનાર છે.