વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધી ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું: ૧૫દિવસમાં રોડ રસ્તાના કામો નહીં થાય તો ધોરાજી અચોકકસ મુદત સુધી બંધ રહેશે
ધોરાજીમાં છેલ્લા ૩ વર્ષથી રોડ રસ્તા અને ધુળીયા ધોરાજીના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. મંગળવારે જનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતથી વિશાળ જનઆક્રોશ રેલી યોજી ભાજપ શાસીત નગરપાલિકાને સુપરસીડ કરોની માગણી સાથે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધી ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવી દિવસ ૧૫માં જો કામ શ‚ કરવામાં નહીં આવે તો અચોકકસ મુદત સુધી ધોરાજી બંધ રાખવાનું એલાન કર્યું હતું.
ધોરાજીમાં રોડ, રસ્તા અને ધુળીયા ધોરાજીના કારણે છેલ્લા ૩ વર્ષથી પ્રજા ત્રાહીમામ પોકારી જતા અનેક નાના માથે આંદોલન થયા ખાત્રીઓ મળી છતા પણ કોઈ જ કાર્યવાહી નહી થતા પ્રજાની વેદના સહન કરતી થાકી જતા ગઈ તા.૨૯ના રોજ ધોરાજીના પ્રબુઘ્ધ નાગરીકોની બિનરાજકીય બેઠક મળેલ બાદ તા.૪ના રોજ વિશાળ રેલીના સ્વ‚પે ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવવા જવાનું નકકી કરેલ એ સમય બાદ રાત્રીના ૧૧ વાગ્યા આસપાસ લોકોના ટોળાએ શહેર ભાજપ કાર્યાલય ઉપર હલ્લાબોલ કરેલ જેના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડયા હતા.
બાદ મંગળવારે સાંજે ૪:૩૦ કલાકે બિનરાજકીય રીતે અંદાજે ૨૦૦૦ જેટલા શહેરના પ્રતિષ્ઠીત નગરજનોની વિશાળ રેલી જનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતેથી વિશાળ બેનર સાથે ધોરાજી નગરપાલિકાના ભ્રષ્ટાચારી નેતા હાય…હાય… નગરપાલિકાને સુપરસીડ કરોની માગણી સાથે વિશાળ રેલીમાં ધોરાજીના જાણીતા એડવોકેટ ચંદુભાઈ ચોવટીયા, ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી નગીનભાઈ વોરા, દિલીપભાઈ, ચિરાગભાઈ, ડી.સી.વોરા, મયુરભાઈ સોલંકી વિગેરે શહેરના વેપારીઓ એડવોકેટ, ડોકટરો, ઉધોગપતિઓ રાજકીય, બિનરાજકીય સામાજીક સંસ્થાના આગેવાનો વિગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ પૂર્વે વિરાટ જન આક્રોશ રેલીના મુખ્ય આયોજક ચંદુભાઈ સિરોયા (એડવોકેટ)એ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવેલ કે ધોરાજી શહેરની દુદર્શા માટે નગરપાલિકા જવાબદાર છે. આ ઉપરાંત બાળકોથી લઈ વૃદ્ધો સુધીનાઓને દમ શ્ર્વાસ અસ્થિમા અને એલર્જીકલ રોગોનું શિકાર થવુ પડેલ છે. જે ડોકટરો જાહેરમાં કબુલ કરે છે. આમ છતા નિર્ભરતંત્ર, અધિકારીઓ કે કોન્ટ્રાકટરોના પેટનું પાણી હલતુ નથી. આ સાથે ધોરાજી શહેરમાં દર ૫ થી ૭ દિવસે પાણી વિતરણ થાય છે એ અત્યંત દહોળુ અને દુષિત પાણી છે. ગત ચોમાસા દરમ્યાન કાદવ કિચડના કારણે સમગ્ર શહેરના નગરજનોએ નજર કેદ રહેવુ પડેલ હતું. ના છુટકે શહેરના જુદા જુદા વિસ્તારના માતા-બહેનોએ રસ્તા ઉપર ઉતરી ચકકાજામ સર્જવા ફરજ પડેલ અને ભાજપ શાસકોએ મહિલાઓનો અવાજ સાંભળવાના બદલે કેશ કરી જેલના સળીયા પાછળ ધકેલયા હતા. નગરસેવકો ચુંટાયા બાદ પોતાની ફરજ અને જવાબદારીનું ભાન ભુલી રાજકીય સ્ટેટબાજી કરતા રહ્યા. ૧૦-૧૦ સુધરાઈ સભ્યોએ રાજીનામુ આપવાનું નાટક કરેલ તેમણે પ્રજાના વિશ્ર્વાસનો ભંગ કરેલ છે તે કેમ ચલાવી લેવાય ?
ચંદુભાઈ શિરોયાએ ચિમકી ઉચ્ચારતા જણાવેલ કે પ્રજાદ્રોહ કરનાર સુધરાઈ સભ્યો આવનારા દિવસોમાં રાજીનામા ધરી દયે નહીંતર જોવા જેવી થશે. ઉપરોકત તમામ પ્રશ્ર્ને આગામી દિવસ ૧૫ની અંદર ધોરાજીને દુર્દશામાં ધકેલી દેનારા જવાબદારો સામે હકારાત્મક કામગીરી કરવામાં નહીં આવે તો ૧૫ દિવસ બાદ ધોરાજીની તમામ જાહેર જનતા પોતાના ધંધા રોજગાર બંધ રાખી અચોકકસ મુદત સુધી ધોરાજી બંધ રાખવાનું એલાન આપેલ હતું. જેથી સરકારે નોંધ લેવા જણાવેલ હતું.
આ તકે ડે.કલેકટર ગોવિંદસિંહ રાઠોડએ ખાતરી આપતા જણાવેલ કે તમારી માગણીઓ ઉચ્ચકક્ષા સુધી તાત્કાલિક પહોંચાડવામાં આવશે.