કરદાતાઓના પૈસા કોઈ ભેદી ખાતામાં જમા થતા હોવાનો આક્ષેપ
શહેરમાં લાખો કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભરી દીધો હોવા છતાં મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા તેઓને બીલ બજવણી કરવામાં આવી રહી છે. કરદાતાઓના પૈસા કોઈ ભેદી ખાતામાં જમા થતા હોવાનો આક્ષેપ શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે લગાવ્યો છે.
તેઓએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, યાજ્ઞિક રોડ પર આવેલી મારી મિલકતનો વેરો મેં ૨૧મી એપ્રિલના રોજ ભરપાઈ કરી દીધો હોવા છતાં મને ટેકસ બ્રાંચ દ્વારા ૨જી મેના રોજ બિલની બજવણી કરવામાં આવી છે અને ખાસ નોટિસ ફટકારવામાં આવી છે.
એડવાન્સ ટેકસ ભરવા છતાં કરદાતાઓને શા માટે વેરા બિલની બજવણી કરવામાં આવે છે તે પણ એક વિચાર માંગી લેતો પ્રશ્ન છે.કરદાતાઓના પૈસા કોઈ ભેદી ખાતામાં જમા થતા હોવાનો આક્ષેપ પણ કોઈએ લગાવ્યો હતો.
મહેશ રાજપુત મગજનું નિદાન કરાવે: મેયરનો ટોણો
મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષથી મહાપાલિકા દ્વારા મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરીયા આધારીત પઘ્ધતિની અમલવારી શ કરી છે માટે તમામ કરદાતાઓને વેરા બીલ મોકલવામાં આવી રહ્યા છે. બીલમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો વેરો ભરપાઈ કરી દીધો હોય તો આ બીલની ભરપાઈ કરવાની થતી નથી ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે પોતાના મગજનું નિદાન કરાવવું જોઈએ. આજે તેઓએ જે પ્રશ્ન માટે પત્રકાર પરિષદ બોલાવી હતી વાસ્તવમાં તે પ્રશ્ન તેમની અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે.