ઝેર ગામ તળાવ ઉડું કરવાની કામગીરીમાં જોતરાયેલા શ્રમિકોનાં ચહેરા પર પ્રસરી છે ખુશીની લહેર
ઘરઆંગણે રોજગારી ઉપલબ્ધ થવાથી રોજી માટે બહારગામ જવાની ઝંઝટમાંથી મળેલી મુક્તિથી ગ્રામજનોની હરખનો કોઇ પાર નથી
સમગ્ર ગુજરાતમાં તા. ૧ લી મે, ૨૦૧૮ ના દિનથી સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝેર ગામ ખાતે ડુળચા ફળીયાનાં તળાવને ઉંડુ કરવાની કામગીરી છેલ્લા એક પખવાડીયા કરતાં પણ વધુ સમયથી ચાલી રહી છે. મનરેગા હેઠળ અહીં ૮૧ જેટલા શ્રમિકો તેમના ઘરઆંગણે રોજગારી મળી રહેતા તેઓ સસ્મિત ચહેરે જણાવે છે કે, ઘરઆંગણે અમને રોજગારી મળી રહેવાથી અમારા ગામ સિવાય રોજગારી માટે ઘોમધખતા તાપમાં અમોને બહાર જવું પડતું નથી.
ઝેર ગામે મનરેગા હેઠળ ૮૧ શ્રમિકો શ્રમદાન સાથે રોજગારી મેળવી રહ્યાં છે
જિલ્લાનાં ઝેર ગામ ખાતે છેલ્લા ૨૦ દિવસથી ચાલી રહેલી તળાવ ઉંડુ કરવાની આ કામગીરી હવે પૂર્ણતાની આરે પહોંચી છે અને ચાલુ માસમાં આ તળાવનું કામ પૂર્ણ થઇ જવાની આશા છે. અહીં ઘરઆંગણે રોજગારી મેળવી રહેલા ૮૧ શ્રમિકોમાં મુકેશભાઇ તડવી પોતે ગ્રેજ્યુએટ છે અને ભીમાભાઇ તડવી પણ શિક્ષિત છે.
આમ છતાં, સરકારશ્રીની મનરેગા યોજના આ હેઠળ બન્ને વ્યક્તિઓ મેટ તરીકે તેમની ફરજ બજાવીને રોજગારી મેળવી રહ્યાં છે. આમ, શિક્ષિત ગ્રામજનોને પણ શારિરીક શ્રમનાં સ્થાને વહિવટી કાર્યકુશળતાને લગતી કામગીરી થકી પુરી પડાતી રોજગારીની બાબત રાજ્ય સરકારની માનવીય સંવેદના પ્રગટ કરે છે.
આમ, આ ગામતળાવનું કામ પૂર્ણ થયેથી મોટી સંખ્યામાં માનવદિનની રોજગારી ઉત્પન્ન થવાની સાથે હજારો રૂપિયાની રકમ રોજગારી પેટે ચૂકવાશે. આ તળાવનું કામ પૂર્ણ થયેથી અંદાજે ૧૪૫૦ ઘનમીટર જેટલું માટીનું ખોદકામ થશે અને તેટલા જ ઘનમીટર પાણીનો સંગ્રહ થશે, જેને લીધે ગ્રામજનોને ફાયદો થશે.
ચોમાસાના પ્રારંભ પહેલા મનરેગા હેઠળ તળાવોની ફરતે વૃક્ષારોપણ-વનીકરણ થકી જળ, જમીન, વન-પર્યાવરણની રક્ષાનો મનરેગાનો ઉદ્દેશ સાકાર થઇ શકશે
અત્રે ઉલ્લેખનીય છે કે, મનરેગા હેઠળ ઝેર ગામમાં શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે આ કામ અહીં શરૂ કરાયું છે. ચોમાસાના પ્રારંભ પહેલા મનરેગા હેઠળ તળાવોની ફરતે વૃક્ષારોપણ-વનીકરણની કામગીરી પણ હાથ ધરવાની બાબત પણ વિચારણા હેઠળ હોવાથી જળ, જમીન, વન-પર્યાવરણની રક્ષાનો મનરેગાનો ઉદ્દેશ સાકાર થઇ શકશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com