બાળકીના મોતથી રણછોડનગરનાં પરપ્રાંતીય પરિવારમાં અરેરાટી:આરોગ્ય તંત્રમાં દોડધામ
સ્વાઈનફલુ અને અન્ય રોગચાળાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ધોમધખતા તાપને લીધે તાવ અને ઝાળા ઉલ્ટીનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જેને લીધે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ગઈકાલે સ્વાઈનફલુની શંકાએ ચાર વર્ષની બાળકીને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેની સારવાર સઘન કરવામાં આવી હતી.
પરંતુ સારવાર કારગત નહી નીવડતાઆજે વહેલી સવારે બાળકીએ અંતિમ શ્ર્વાસ લીધો હતો બાળકીનાં મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. અને આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ છે.
શહેરનાં રણછોડનગર શેરી નં.૪માં રહેતા અને જીવનબેંકમાં સીકયોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજાભાઈ પટેલની ચાર વર્ષની માસુમ બાળકી અભિને રવિવારે ગળામાં બળતરા અને શરદી તેમજ તાવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે ત્યાં તેની તબીયત વધુ બગડતા ત્યાંથી તુરંત જ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારબાદ તેના બ્લડ અને લાળના નમુના લઈ મેડીકલ કોલેજની લેબોરેટરીમાં મોકલાયા હતા જયાં સાંજે સાડા ચારેક વાગ્યે અભિનો સ્વાઈન ફલુનું રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
અને અભિની સારવાર સઘન બનાવી હતી. તેમજ તેને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવી હતી જોકે આજે સવારે સાતેક વાગે અભિને ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.
રાજાભાઈ પટેલનો પરિવાર મુળ ચેન્નાઈનાં રહેવાસીછે તેમજ તેને સંતાનમાં અકે પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. સ્વાઈન ફલુથી માસુમ બાળકીનું મોત થતા હોસ્પિટલ તંત્રમાં દોડધા મચી ગઈ છે.