૨૭.૬ કિલો પ્લાસ્ટીક જપ્ત, રૂ.૫૧,૪૫૦નો દંડ વસુલાયો: સાધુવાસવાણી રોડ પર રાજમાર્ગ પર ગંદકી કરતા અને ડસ્ટબીન ન રાખનાર વેપારીઓને પણ દંડ ફટકારાયો
શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉપયોગ, સંગ્રહ અને વેચાણ પર મહાપાલિકા દ્વારા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે છતાં વેપારીઓ આ જાહેરનામાનો ભંગ કરતા હોવાનું ધ્યાનમાં આવતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના આદેશ બાદ કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખાની ચેકિંગ સ્કવોર્ડ દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં પ્લાસ્ટીક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સબબ ૧૮૮ વેપારીઓ પાસેથી રૂ.૫૧,૪૫૦નો દંડ વસુલ કરી ૨૭.૬ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
વેસ્ટ ઝોનમાં નાનામૌવા રોડ, લાખના બંગલા રોડ, મવડી રોડ, કાલાવડ રોડ, પુષ્કરધામ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનાર ૯૪ વેપારીઓ પાસેથી રૂ.૨૪,૯૦૦નો દંડ વસુલ કરી ૧૨ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે ઈસ્ટ ઝોન વિસ્તારમાં ફુલ બજાર, કોઠારીયા રોડ, પેડક રોડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં ૪૪ વેપારીઓ પાસેથી પ્લાસ્ટીકના ઉપયોગ સબબ રૂ.૧૦,૪૫૦નો દંડ વસુલ કરી ૭.૬ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે વોર્ડ નં.૫ના સર્વિસ રોડ પર ઓપન યુરીનેશન કર્તા ત્રણ આસામીઓ પાસેથી રૂ.૬૦૦નો દંડ વસુલ કરાયો હતો.
શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૨,૩,૭,૧૩,૧૪ અને ૧૭માં અલગ-અલગ વિસ્તારોમાં ૫૦ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી ૧૨,૧૦૦નો દંડ વસુલ કરી ૮ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું. વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત સાધુ વાસવાણી રોડ પર સોલીડ વેસ્ટ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત જાહેરમાં કચરો ફેંકવા સબબ તથા ડસ્ટબીન ન રાખવા સબબ ૨૩ વેપારીઓ પાસેથી દંડ વસુલ કરાયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com