૨૧ મે થી ૩ જૂન સુધી કુલ ૧૪ દિવસ રાજકોટમાં રોકાણ – વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન– હરિભક્તોમાં હરખની હેલી
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે આજે સાંજે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ૩ મહિના અને ૧૧ દિવસ એટલે કે બરાબર ૧૧૧ દિવસ બાદ ફરી પાછા ગુજરાતની ધરાને રાજકોટમાં પધારીને પાવન કરી છે ત્યારે તેઓના આગમન નિમિત્તે સાંજે ભવ્યાતિભવ્ય સ્વાગત–સામૈયું યોજવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તારીખ ૩ જૂન રવિવાર સુધી કુલ ૧૪ દિવસ રાજકોટમાં રોકાણ કરશે જે દરમ્યાન વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સ્વાગત માટે મંદિર પરિસરમાં અદ્દભુત કાઠીયાવાડી ગામડાનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો જેમાં કાઠીયાવાડી વસ્ત્રોમાં શોભતા યુવકોએ પરંપરાગત રીતે સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. પરિસરને પરંપરાગત ચાકળા, કંતાન, ફાનસ, જૂના પીત્તળના વાસણો, જૂના કબાટ-મોટા પટારા, ખાટલાઓથીસુશોભિત કરવામાં આવ્યું હતું. સાથે સાથે આસોપાલવના તોરણો, ફુલોની સુંદર રંગોળી, દીપમાળા, ૧૫૧ કળશ, ધજાઓથી સમગ્ર પરિસરને સુશોભિત કરવામાં આવ્યું હતું. ભગવાન સમક્ષ વિવિધ પ્રકારની કેરીઓનો વિશિષ્ટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.
વિશેષ તો આજથી બરાબર ૬૮ વર્ષ પૂર્વે ૨૧ મે, ૧૯૫૦ના દિવસે અમદાવાદની આંબલીવાળી પોળમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ૨૮ વર્ષના નારાયણસ્વરૂપદાસને(પ્રમુખસ્વામી મહારાજને) બી.એ.પી.એસ. સંસ્થાના ‘પ્રમુખ’ તરીકે નિયુક્ત કર્યા હતા એ જ આજના પરમ પવિત્ર દિવસે એમના જ અનુગામી એવા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ રાજકોટ પધારી રહ્યા છે ત્યારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સ્વાગત-સામૈયા માટે હરિભક્તોમાં હરખ સમાતો ન હતો.
સ્વાગત સભામાં અમદાવાદની એજ પરંપરાગત આંબલીવાળી પોળને તાદ્રશ્ય કરતું સુંદર સ્ટેજ સુશોભિત કરવામાં આવ્યું હતું. પ્રમુખવરણી દિનની સ્મૃતિ કરતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે,પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું પૂજન કરી પુષ્પોની ચાદર અર્પણ કરી હતી. સ્વાગત સભામાં બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સદ્દગુરુવર્ય સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને સત્કારતા તેઓના ભાલે ચંદનની અર્ચા કરી,
રાજકોટના મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીએ પુષ્પનો હાર પહેરાવ્યો,સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ નાડાછડી બાંધી, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી તથા પૂજ્ય નિર્દોષમૂર્તિ સ્વામીએ ચાદર અર્પણ કરી અને પૂજ્ય અક્ષરયોગી સ્વામીએ પ્રસાદ અર્પણ કર્યા હતા. ઉપસ્થિત તમામ હરિભક્તોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવતા સમૂહ આરતી ઉતારવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો અને પોતાના ઘરેથી વિવિધ મિષ્ટાનો અને વાનગીઓ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને અર્પણ કરી હતી જે સભા બાદ સૌને પ્રસાદ સ્વરૂપે વહેચવામાં આવી હતી.આજના આ સ્વાગત સમારોહમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ૫૦થી અધિક સંતો, ૨૦૦૦ જેટલા કાર્યકરો અને ૧૦૦૦૦થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના તારીખ ૨૨ મે થી ૩ જૂન સુધીના રોકાણ દરમ્યાન પ્રતિદિન સવારે ૫:૦૦ થી ૭:૩૦ દરમ્યાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પૂજાદર્શન-આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે તેમજ પ્રતિદિન સાંજે૫:૩૦ થી ૮ વાગ્યા સુધી સાયંસભામાં વરિષ્ઠ સંત અને વિદ્વાન વક્તા પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી ‘શાશ્વત સત્પુરૂષ’ વિષય પર પારાયણનો લાભ આપશે તેમજ દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થશે.
બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તારીખ ૨૧ મે સોમવાર થી ૩ જૂન રવિવાર સુધી રોકાણ કરશે.આ ૧૪ દિવસ દરમ્યાન યોજાનાર ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી સહિત સૌસંતોએ રાજકોટવાસીઓને અંતરનું આમંત્રણ પાઠવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com