ઉધોગો સ્થાપવાથી સ્વરોજગારીમાં મોટો વધારો થશે અને હજારો યુવક-યુવતીઓને મોટા પ્રમાણમાં રોજગારી મળશે: નીતિન પટેલ
રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં સુક્ષ્મ, લઘુ અને નાના ઉધોગોને પ્રોત્સાહન આપવા માટે તેમજ રાજયમાં રોજગારીનું પ્રમાણ વધે તે આશયથી જીઆઈડીસી દ્વારા અપાતા ૩૦૦૦ મીટર સુધીના પ્લોટમાં ૫૦% ઓછી કિંમતે પ્લોટ ફાળવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના અધ્યક્ષસ્થાને મળેલ રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ આ નિર્ણય અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, રાજયમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન મળે અને આ ઉધોગો દ્વારા વધુને વધુ રોજગારીની તકો ઉભી થાય તેમજ રાજયમાં જે મોટા ઉધોગો ચાલી રહ્યાં છે તેને અનુપ આનુષાંગિક (એન્સીલરી) ઉધોગો સ્થપાય તો રાજયના ઔધોગિક ઉત્પાદનમાં પણ વધારો થાય તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં રાજય સરકારના ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી) દ્વારા રાજયમાં વિવિધ સ્થળોએ જીઆઈડીસી સંકુલો ઉભા કરવામાં આવ્યા છે અને વધુ નવી જીઆઈડીસીની સ્થાપના કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ સંકુલો ઉભા કરવા જીઆઈડીસીને રાજય સરકાર દ્વારા જમીન વેચાણ આપવામાં આવે છે. જીઆઈડીસીને આ જમીન વેચાણ આપવાની અને જમીનની કિંમત કરવાની હાલની જે પઘ્ધતિ હતી તે પઘ્ધતિ મુજબ જમીનની વેચાણ કિંમત કરાતા જીઆઈડીસીને કેટલીક જગ્યાએ ઉંચી કિંમત ચુકવવી પડતી હતી અને તે જીઆઈડીસીમાં જે એકમો સ્થપાય તેને વધારે કિંમતની જમીન ફાળવવામાં આવતી હતી જેને કારણે નાના ઉધોગ સાહસિકોને કારખાના બનાવવા માટેનું ખર્ચ-રોકાણ વધી જતું હતું.
નીતિનભાઈ પટેલે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી જીઆઈડીસીને ફાળવવામાં આવતી જમીન, તેની કિંમત અને પઘ્ધતિમાં ઘરખમ ફેરફાર કરાયો છે. હવેથી જીઆઈડીસીને જે જમીન ફાળવવામાં આવશે તે જમીનમાંથી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉધોગો માટે ૩૦૦૦ મીટર સુધીના પ્લોટ જીઆઈડીસી આ સુક્ષમ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉધોગો માટે ફાળવશે તો તેની જમીનની કિંમત રાજય સરકાર ૫૦% ઓછી વસુલશે એટલે કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગો માટે ૩૦૦૦ મીટર સુધીના પ્લોટ હવે સરકાર દ્વારા જીઆઈડીસીને ફાળવવાની જમીનની જે કિંમત નકકી થઈ હોય તેમાં ૫૦% રાહત આપશે તેથી આવા નાના ઉધોગ સાહસિકોને જીઆઈડીસીમાં પ્લોટ અડધી કિંમતે મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com