મોચી બજારમાં કેરીના ચાર ગોડાઉનમાં કોર્પોરેશન ત્રાટક્યું: ૧૦૦ ચાઇનીઝ કેલ્શીયમ કાર્બાઇડની પડીકી, ૬ કિલો કાર્બાઇડ અને ૨૨૦૦ કિલો કેરીનો નાશ
વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા હોવાનું વધુ એક વખત પકડાયું છે. રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના મોચી બજાર વિસ્તારમાં આવેલા અલગ-અલગ ૪ કેરીના ગોડાઉનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા એરટાઇટ રૂમમાં કેલ્શીયમ કાર્બાઇડનો ધુમાડો કરી કેરી સહિતના ફળ પકાવવામાં આવતા હોવાનું કારસ્તાન પકડાયું હતું. ચેકિંગ દરમ્યાન ૧૦૦ ચાઇનીઝ કેલ્શીયમ કાર્બાઇડની પડીકી, ૬ કિલો કાર્બાઇડનો જથ્થો અને ૨૨૦૦ કિલોથી વધુ કાર્બાઇડથી પકાવાયેલી કેરીનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા મોચી બજાર પોસ્ટ ઓફિસ પાછળ ચર્ચના ગેટ સામે આવેલા ઇબ્રાહીમશા રહેમાનશા શાહમદાર, બાબુભાઇ હરજીવનભાઇ વિસાણી, સાજીદભાઇ ઇબ્રાહીમભાઇ વજુગરા તથા મોચી બજારમાં મમરાવાલા ચેમ્બર પાસે ખ્વાજા કોમ્પલેક્ષમાં અખતરભાઇ મુસતાકભાઇ શેખના કેરીના ગોડાઉનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય શાખા દ્વારા ફ્રૂટના વેપારીઓને ત્યાં છેલ્લા ચારેક દિવસથી ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય, હવે વેપારીઓએ ફળો પકાવવા માટે એક નવી જ તરકીબ અજમાવી રહ્યા છે.
જેમાં ગોડાઉનના કોઇ એક મને એરટાઇટ કરી દેવામાં આવે છે, બારી-બારણાં પર થર્મોકોલ ફીટ કરી આ રૂમમાં કેરી સહિતના ફ્રૂટનો જથ્થો રાખી દેવામાં આવે છે અને એક મોટા તગારામાં કેલ્શીયમ કાર્બાઇડ ભરી તેનો ધુમાડો કર્યા બાદ રૂમને બંધ કરી દેવામાં આવે છે. બે કે ત્રણ દિવસ બાદ આ રૂમને જ્યારે ખોલવામાં આવે ત્યારે તેમાં સંગ્રહ કરાયેલી કેરીનો જથ્થો એકદમ પાકી ગયો હોય છે. જો તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવે તો અહીં કાર્બાઇડનો જથ્થો હાથ લાગતો નથી. આજે ચેકીંગ દરમ્યાન આવુ જ કારસ્તાન પકડાયું હતું. જેમાં તમામ સ્થળોએ એરટાઇટ રૂમમાં કાર્બાઇડનો ધુમાડો કરી કેરી પકાવવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું.
ચેકીંગ દરમ્યાન ચાઇનીઝ કેલ્શીયમ કાર્બાઇડની ૧૦૦ પડીકી, ૬ કિલો કાર્બાઇડ અને ૨૨૦૦થી વધુ કિલો કેરીના જથ્થાનો નાશ કરી ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ કાર્બાઇડથી કેરી સહિતના ફળ પકાવતા વેપારીઓને ત્યાં ચેકીંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com