રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષોથી એક જ જગ્યાએ ચીટકી ભ્રષ્ટાચાર આચરતા ‘બાબુ’ઓ પર લગામ કસાઈ.
રાજય સરકારની વારંવારની સૂચના છતા વાર્ષિક મિલ્કત રીટર્ન ભરવાની દરકાર નહિ લેનારા રાજયનાં ૧૫૦૦ જેટલા કલાસ-વન અધિકારીઓનાં પગાર અટકાવવા સામાન્ય વહીવટ વિભાગે આદેશ કરતા ભ્રષ્ટાચાર આચરતા સરકારી બાબુઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
ભ્રષ્ટાચાર પર કાબુ મેળવવા ગુજરાત સરકાર દ્વારા તમામ વર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોતાનું વાર્ષિક મિલ્કત રીટર્ન ભરવું ફરજીયાત બનાવ્યું છે.
આમ છતાં રાજયમાં કલાસ વન ઓફીસર તરીકે ફરજ બજાવતા ૧૫૦૦થી વધુ કર્મચારીઓ દ્વારા રીટર્ન ફાઈલ કરવામાં ન આવતા સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કડક વલણ અપનાવી આવા તમામ કર્મચારીઓનાં એપ્રીલ માસનાં પગાર અટકાવવા આદેશ જારી કર્યો છે.
રાજયનાં મુખ્ય સચિવ જે.એન. સિંહે જણાવ્યું હતુ કે સરકારની સૂચના અવગણનાર ૧૫૦૦થી વધુ કર્મચારીઓનાં પગાર અટકાવ્યા છે. જેમાં આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. તમામ કર્મચારીઓ માટે ઓનલાઈન મિલ્કત રીટર્ન ભરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અને હવે સરકાર તમામ વર્ગનાં કર્મચારીઓ માટે અપાત નિયમો લાગુ કરી અધિકારી-કર્મચારી અને તેમના પત્ની સહિતના કુટુંબના સભ્યોની મિલ્કત અંગેની વિગતો ફરજીયાત જાહેર થાય તે માટે કડક કાર્યવાહી કરવાનાં નિર્દેશો પણ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મિલ્કતોનાં વાર્ષિક રીટર્ન નહી ભરનાર અધિકારી કર્મચારીઓનાં પગાર અયકાવ્યા બાદ હવે સરકાર દ્વારા માર્ચ ૨૦૧૮થી લાગુ કરેલી નવી પરફોમન્સ મૂલ્યાંકન રીપોર્ટ એટલે કે પારની સિસ્ટમ હેઠળ આવા કર્મચારીઓની બઢતી, ઈજાફા રોકી તેમના સીઆરમાં ગંભીર નોંધ કરવા પણ નિયમ ઘડી કાઢ્યો છે. જેને પગલે ભ્રષ્ટાચાર આવરી બેનામી સંપતિ એકઠી કરનારા સરકારી બાબુઓ પર હવે ગાળીયા મજબુત બનશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com